કૃષ્ણા નદીના તટમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી જે રામલલ્લા જેવી જ દેખાય છે

08 February, 2024 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદોનું કહેવું છે કે આ મૂર્તિ શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ વેન્કટેશ્વર જેવી છે.

નદીકિનારે મળી આવેલ ભગવાનની મૂર્તિ અને શિવલિંગ

તાજેતરમાં કર્ણાટકના રાયચુર જિલ્લાના એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ મળી આવી છે જેમાં તમામ દશાવતાર તેમની ‘આભા’ સાથે ચારે બાજુ કોતરેલા છે. આ મૂર્તિની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે. દેખાવમાં આ મૂર્તિની વિશેષતાઓ અયોધ્યાના નવનિર્મિત રામમંદિરમાં તાજેતરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલી ‘રામલલ્લા’ની મૂર્તિ જેવી જ છે.

રાયચુર યુનિવર્સિટીમાં પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્ત્વનાં લેક્ચરર ડૉ. પદ્મજા દેસાઈએ આ વિષ્ણુ મૂર્તિ વિશે કહ્યું હતું કે કૃષ્ણા નદીના તટપ્રદેશમાં મળેલી આ વિષ્ણુ મૂર્તિમાં અને રામલલ્લાની મૂર્તિની વિશેષતાઓમાં ઘણું સામ્ય છે. તેમણે કહ્યું હતું કે ‘આમાં ભગવાન વિષ્ણુની આસપાસની આભા મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ,  વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ જેવા ‘દશાવતાર’ દર્શાવે છે. આ મૂર્તિમાં વિષ્ણુ ઊભી સ્થિતિમાં છે અને તેમના ચાર હાથ છે. તેમના બે ઉપલા હાથ ‘શંખ’ અને ‘ચક્ર’ ધરાવે છે, જ્યારે તેમના બે નીચેના હાથ (‘કટી હસ્ત’ અને ‘વરદા હસ્ત’) આશીર્વાદ આપવા માટેની સ્થિતિમાં છે.’

પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદોનું કહેવું છે કે આ મૂર્તિ શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ વેન્કટેશ્વર જેવી છે. જોકે આ મૂર્તિમાં ગરુડ નથી જે સામાન્ય રીતે વિષ્ણુની મૂર્તિઓમાં જોવા મળે છે. એને બદલે બે મહિલાઓ છે. તેમણે કહ્યું હતું કે ભગવાન વિષ્ણુને શણગારનો શોખ હોવાથી હસતા વિષ્ણુની આ મૂર્તિને માળા અને આભૂષણોથી શણગારવામાં આવી છે. ડૉ. દેસાઈએ કહ્યું હતું કે આ મૂર્તિ કોઈક મંદિરના ગર્ભગૃહને શણગારતી હશે અને એવું લાગે છે કે કોઈ મંદિરને નુકસાન પહોંચાડતી વખતે એને નદીમાં ફેંકવામાં આવી હશે. તેઓ માને છે કે આ પ્રતિમા ૧૧મી કે ૧૨મી સદીની છે.

offbeat videos offbeat news social media karnataka