બહેન ઈશા મારા માટે મા જેવી છે, આકાશ રામ જેવો અને હું મારી જાતને માનું છું હનુમાન

29 February, 2024 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિવાર વિશેની વાતમાં અનંત કહે છે, ‘પપ્પા ભલે બિઝનેસ લીડર હોય, પણ અમારી સાથે દોસ્તની જેમ રહે છે.

અનંત અંબાણી , રાધિકા મર્ચન્ટ

અંબાણી પરિવારનો નાનો દીકરો અનંત છેલ્લા બે-ત્રણ દિવસથી મીડિયા સાથેની વાતચીતમાં જે ખુલ્લા દિલે અને સહૃદયતાથી વાતો કરી રહ્યો છે એનાથી ઘણા લોકો આશ્ચર્યચકિત છે. અનંતના વ્યક્તિત્વનો એક અલગ જ પહેલુ જોવા મળી રહ્યો છે. તે ખૂબ સરળતાથી અને ખેલદિલીથી વાતો કરે છે. એક ટીવી-ચૅનલ સાથેની વાતમાં અનંતે પોતાના પરિવાર, રેસ્ક્યુ અને રીહૅબિલિટેશન સેન્ટર વનતારાનું વિઝન અને રાધિકા મર્ચન્ટ સાથેનાં તેનાં લગ્ન વિશે દિલ ખોલીને વાત કરી. તેને જ્યારે કહેવામાં આવ્યું કે તે દાદા (ધીરુભાઈ અંબાણી) જેવો લાગે છે ત્યારે તેણે કહ્યું કે હું દાદાના પગલે ચાલી રહ્યો છું. અંબાણી પરિવારના હિસ્સા હોવામાં શું કોઈ પ્રેશર મહેસૂસ થાય છે? એના જવાબમાં અનંત કહે છે, ‘પ્રેશર જેવું નથી. હું જે કરીશ એ દિલથી કરીશ અને ઈશ્વર જે ઇચ્છશે એ જ થશે.’

પરિવાર વિશેની વાતમાં અનંત કહે છે, ‘પપ્પા ભલે બિઝનેસ લીડર હોય, પણ અમારી સાથે દોસ્તની જેમ રહે છે. તેઓ જરાય સ્ટ્રિક્ટ નથી. આકાશ અને ઈશા બન્ને મોટાં છે એટલે પહેલાં કૉલેજ જતાં રહ્યાં હતાં. એટલે મને પેરન્ટ્સ સાથે રહેવાનો સૌથી વધુ મોકો મળ્યો. અમારી વચ્ચે કોઈ કૉમ્પિટિશન નથી. હું મારી જાતને તેમનો હનુમાન કહું છું, કેમ કે હું આખી જિંદગી તેમની સલાહ પર ચાલવા માગું છું. એ બન્ને મારાથી મોટાં છે. મારો ભાઈ મારા માટે રામ છે અને બહેન મા જેવી. એ બન્નેએ મને હંમેશાં પ્રોટેક્ટ કર્યો છે. અમે ફેવીક્વિકથી જોડાયેલાં છીએ.’

અસ્થમા અને અન્ય હેલ્થ-ઇશ્યુઝ સામે ઝૂઝતો હતો ત્યારે ભાવિ જીવનસાથી રાધિકાએ કઠિન સમયમાં સાથ આપેલો એ વિશે કૃતજ્ઞભાવે તે કહે છે, ‘રાધિકા મારી હેલ્થકૅર જર્નીમાં ખૂબ સપોર્ટિવ રહી છે. તે મારી સાથે એક સ્ટ્રૉન્ગ પિલરની જેમ કપરા સમયમાં મારા પડખે રહી છે. જ્યારે ડૉક્ટરોએ હથિયાર હેઠાં મૂકી દીધેલાં ત્યારે પણ રાધિકા કે મારા પેરન્ટ્સે હામ ખોઈ નહોતી. રાધિકા મારી સ્ટ્રેન્ગ્થ છે.’

offbeat videos offbeat news Anant Ambani radhika merchant