05 August, 2022 11:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્ર એ વિડિયો શૅર કર્યો
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્ર ઘણી વખત સોશ્યલ મીડિયામાં મજેદાર કે પછી પ્રેરણાત્મક પોસ્ટ શૅર કરે છે. આ વખતે તેમણે એક એવી પ્રોડક્ટનો વિડિયો શૅર કર્યો છે જેનો તેમના મતે ઘણા બધા ગ્રાહકો આપણા દેશમાં હોઈ શકે છે. ટ્વીટમાં રોડના ખાડા રિપેર કરતું વૉટરપ્રૂફ મટીરિયલ છે. આ વિડિયો અમેરિકાના રોડના ખાડા પૂરવા માટે વપરાતા એક કાર્પેટ જેવા મટીરિયલની જાહેરાત છે, જે ખાડા અને તિરાડને તરત પૂરી નાખે છે. આ ક્લિપને શૅર કરતાં આનંદ મહિન્દ્રએ લખ્યું હતું કે ‘આ એક એવી પ્રોડક્ટ છે જેની ભારતને ખાસ જરૂર છે. બિલ્ડિંગ કે કન્સ્ટ્રક્શન મટીરિયલ બનાવતી કંપનીઓએ આનું અનુકરણ કરવું જોઈએ અથવા તો આ ફર્મ સાથે સહયોગ કરવો જોઈએ.’
ઘણા લોકો આનંદ મહિન્દ્રની આ વાત સાથે સંમત થયા છે તો કેટલાકના મતે ભારતીય રસ્તાની સ્થિતિ માટે આ ઉકેલ વ્યવહારુ નથી. આપણે ત્યાં વિવિધ પ્રકારના ખાડા પડે છે. જો ખાડો ઊંડો હોય તો એને પહેલાં ભરવો પડે, માત્ર કાર્પેટથી ખાડો ન ભરાય.
બાય ધ વે, અનેક યુઝર્સે કહ્યું કે, આમાંથી પ્રેરણા લઈને દેશની સ્થિતિને ધ્યાનમાં રાખી ઉકેલો શોધવા જોઈએ.