28 October, 2022 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકસાથે ૧૫ પેઇન્ટિંગ્સ બનાવતી યુવતી
યુટ્યુબ પરનો એક વિડિયો જોઈને બિઝનેસમૅન આનંદ મહિન્દ્રએ સ્કૉલરશિપ ઉપરાંત અન્ય જરૂરી સહાય આપવાની ઑફર કરી છે. જોકે નેટિઝન્સ આ વિડિયોને એક પ્રકારની છેતરપિંડી ગણાવે છે. એક વ્યક્તિ જુદા-જુદા કલરનાં કુલ ૧૫ પેઇન્ટિંગ્સ એકસાથે બનાવે અને એ પણ જરાય ભૂલ વિના એ કઈ રીતે શક્ય બને. આનંદ મહિન્દ્રએ પણ આ કઈ રીતે શક્ય છે એમ જણાવીને નેટિઝન્સને તેના વિશે જાણવા મળે તો તેને સ્કૉલરશિપ તેમ જ અન્ય સહાય પૂરી પાડવાની ઑફર કરી છે.
નૂરજહાં નામની એ આર્ટિસ્ટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હોવાના અસંખ્ય દાવા કરવામાં આવ્યા છે, પરંતુ એના પર કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક યુટ્યુબ-યુઝરે કહ્યું કે મેં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં ક્રૉસ-ચેક કર્યું છે, પરંતુ નૂરજહાંનું નામ એમાં મળ્યું નથી.
વિડિયોની પ્રામાણિકતા પર સવાલ કરનાર લોકો જણાવે છે કે એક કલાકાર એક જ સમયે ૧૫ પેઇન્ટિંગ્સ દોરે છે એ આશ્ચર્યની વાત છે, પણ એથી વધુ આશ્ચર્ય એ વાતનું છે કે લોકો આને સાચું માને છે. અન્ય એક યુઝરે આને એડિટિંગની કળા ગણાવી હતી. મજાની વાત એ છે કે આ વિડિયો નૂરજહાંની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલમાં અપલોડ નથી. એક યુઝરે લખ્યું છે કે આ શક્ય જ નથી. જો આ વિડિયોનો નાનો ભાગ પણ સામાન્ય ગતિમાં બતાવવામાં આવે તો એને વિગતવાર જોઈ શકીએ અને કલાકારની ચોરી પકડી શકાય. વાસ્તવમાં આ પ્રતિભા નથી, છેતરપિંડી જ છે, જે ભૌતિક રીતે કોઈ પણ વ્યક્તિ પ્રાપ્ત કરી શકતું નથી. શ્રેષ્ઠ તસવીરો પહેલાંથી જ ત્યાં છે જેને કવર કરવામાં આવી છે અને તે બધાને એકસાથે ખોલી રહી છે એમ એક વપરાશકારે લખ્યું છે.