03 April, 2025 09:41 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
આઠ કિલોની ગાંઠ
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મહારાજા તુકોજીરાવ હૉસ્પિટલનાં સ્ત્રીરોગનિષ્ણાત ડૉ. સુમિત્રા યાદવની ટીમે ૧૫ વર્ષની એક ટીનેજર છોકરીની ઓવરીમાંથી આઠ કિલો વજનની ગાંઠ કાઢી હતી. આ દરદીને હૉસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેનું વજન ૩૯ કિલો હતું. તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો અને સાથે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડૉક્ટરોએ નિદાન માટે કેટલાંક પરીક્ષણો કરાવ્યાં તો ખબર પડી કે તેની ઓવરીમાં ગાંઠ છે. આ ગાંઠ નાની-સૂની નહીં પણ જાયન્ટ હતી. ડૉ. સુમિત્રા યાદવે કહ્યું હતું કે ‘સર્જરી કરીને જ એ ગાંઠ કાઢી શકાય એમ હતી, કેમ કે એ સાઇઝમાં ખૂબ જ મોટી હતી. ગાંઠમાં હવા, ફ્લુઇડ અને કેટલુંક સેમી-સૉલિડ દ્રવ્ય હતું. આવી ગાંઠ શરીરમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. ગાંઠ અમે બહાર કાઢીને વજન કર્યું તો એનું વજન લગભગ આઠ કિલો જેટલું હતું.’