22 April, 2023 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમેરિકન કપલે હેલિકૉપ્ટરને મોટરહોમમાં ફેરવ્યું
અમેરિકન કોસ્ટગાર્ડના ભૂતપૂર્વ પાઇલટ્સ બ્લૅક મોરિસ અને તેમનાં વાઇફ મૅગી મોર્ટોને એક હેલિકૉપ્ટરને પોતાના મોટરહોમમાં કન્વર્ટ કર્યું છે. સૌથી પહેલાં તેમણે ફેસબુક માર્કેટપ્લેસમાંથી હેલિકૉપ્ટર ખરીદ્યું અને એને કિચન અને ટૉઇલેટ સાથે સંપૂર્ણપણે મોટરહોમમાં કન્વર્ટ કર્યું. આ કપલે એને માટે ૯૦૦ કલાક કામ કર્યું હતું. જોકે તેઓ એના રિઝલ્ટથી ખુશ છે.
મોરિસે સૌપ્રથમ ફેસબુક પર એસએ૩૩૦જે પુમા હેલિકૉપ્ટર જોયું હતું. સૌપ્રથમ તેમણે હેલિકૉપ્ટરના સૌથી પાછળના ભાગમાં ફેરફાર કરીને ત્યાં બારી મૂકી હતી, જેથી વધુ પ્રકાશ આવી શકે. એ પછી તેમણે હેલિકૉપ્ટરમાં ફ્રિજ ધરાવતું કિચન, ટૉઇલેટ અને બેડરૂમ તૈયાર કર્યાં. આ હેલિકૉપ્ટરમાં ટીવી અને કૉફી ટેબલ સાથે લાઉન્જ એરિયા પણ છે.
મોરિસે જણાવ્યું કે ‘આ હેલિકૉપ્ટરનો સૌપ્રથમ જર્મન મિલિટરી પોલીસે ઉપયોગ કર્યો હતો. એ પછી ત્યાંથી એની ખરીદી કરવામાં આવી અને થોડાં વર્ષ સુધી અમેરિકન દળો દ્વારા અફઘાનિસ્તાનમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ પછી ૨૦૧૧માં એ અમેરિકામાં પાછું આવ્યું હતું.
મોરિસે કહ્યું કે ‘મેં મૅગીને આ હેલિકૉપ્ટર ખરીદવા કહ્યું ત્યારે તેણે મને ખૂબ સપોર્ટ આપ્યો હતો. મેં એમ જ વિચાર્યું હતું કે તે એમ કહેશે કે હું ક્રેઝી છું. જોકે વાસ્તવમાં તેણે કહ્યું કે આ ગ્રેટ આઇડિયા છે.’
સોશ્યલ મીડિયા પર આ કપલનો વિડિયો શૅૅર કરાયો છે અને યુઝર્સ તેમના આ પ્રયાસથી ખૂબ ઇમ્પ્રેસ થયા છે.