05 October, 2024 12:31 PM IST | Amroha | Gujarati Mid-day Correspondent
રામ સિંહ બૌદ્ધ
ફુલ વૉલ્યુમમાં વગાડવા પડે એવા આ સમાચાર છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં રહેતા રામ સિંહ બૌદ્ધે જાતજાતના રેડિયોનો સંગ્રહ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. રામ સિંહે રેડિયોનું સંગ્રહાલય બનાવ્યું છે એમાં ૧૪૦૦ રેડિયો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની ટીમ ૧૮ ફેબ્રુઆરીએ ગજરૌલાના નૈપુરા સંગ્રહાલયમાં આવી હતી અને ૧૪૦૦માંથી ૧૨૫૭ રેડિયો પસંદ કર્યા હતા અને ૨૬ સપ્ટેમ્બરે તેમના નામે રેકૉર્ડ નોંધાયો હતો. ૬૮ વર્ષના બૌદ્ધના મ્યુઝિયમમાં કુલ ૨૫ લાખ રૂપિયાના રેડિયો છે. બુશ, મર્ફી, ફિલિપ્સ, સોની પૅનસૉનિક જેવી કંપનીના રેડિયો છે. સૌથી મોંઘો ૨૦,૦૦૦ રૂપિયાનો ૧૯૨૦માં બનેલો યુએસ આર્મી રેડિયો પણ તેમના સંગ્રહાલયમાં છે. સૌથી મોટી સાઇઝનો એટલે કે દોઢ મીટરનો જર્મન ગ્રાઉન્ડ લિન્ક કંપનીનો રેડિયો પણ છે અને ૧૪૦૦ રૂપિયાનો સૌથી ટચૂકડો ૧ ઇંચનો રેડિયો પણ છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમનો રેડિયોપ્રેમ વખાણ્યો છે, પણ લગ્નમાં રેડિયોની ભેટ નહોતી મળી એનું દુઃખ તેમને આજેય છે. વેરહાઉસિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયામાંથી સુપરવાઇઝર તરીકે નિવૃત્ત થયા પછી મોટા ભાગનો સમય તેઓ રેડિયો સાથે જ વિતાવતા હતા. રામ સિંહે દિલ્હીના આકાશવાણી ભવનના સંગ્રહાલયમાં પણ ૧૩૭ રેડિયો ભેટ આપ્યા છે.
રેડિયો ઉપરાંત પણ તેમના મ્યુઝિયમમાં ૧૯૩૧માં બનેલી પહેલી બોલતી ફિલ્મની ૨૦૦ રીલ, ૩૦૦-૪૦૦ વર્ષ જૂની ૩૦૦ પાંડુલિપિ, ગ્રામોફોન, શક, કુષાણકાળથી માંડીને મુઘલ અને બ્રિટિશ શાસનના ૨૫૦૦ સિક્કા, ૨૫૦ દુર્લભ પુસ્તકો, ૧૨ પૉકેટ-ટીવી, સ્ટવ, ૫૦ ટેલિફોન, પેટ્રોમૅક્સ લૅમ્પ, રસોઈનો સામાન, છાપાં, ટપાલટિકિટ, શાહીદાન, ૧૮૯૦થી ૨૦૧૦ સુધીનાં પોસ્ટકાર્ડ, પોર્ટુગલ શાસનની ૧૫૦ ટપાલટિકિટ અને બ્રિટિશ શાસનની ૨૫૦ ટપાલટિકિટ પણ છે. તાંબાનાં આભૂષણો, ૪૦૦ વર્ષ જૂની હસ્તલિખિત શ્રીમદ ભાગવત ગીતા અને ૧૯૦૦ની સાલનું વિશ્વનું સૌથી નાનું બાઇબલ પણ તેમના સંગ્રહમાં છે.