02 January, 2024 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
ચૉકલેટમાંથી દુંદાળા દેવનું સર્જન કરી, એ ચૉકલેટી ગણેશને દૂધમાં વિર્સજન કરી જરૂરિયાતમંદ અને વંચિત બાળકોમાં પ્રસાદરૂપે ચૉકલેટ મિલ્ક શેકનું વિતરણ કરતાં સંતાક્રુઝનાં રિંતુ રાઠોડ તેમના આ ઇનોવેટિવ અને નોબલ કન્સેપ્ટ માટે દેશ-વિદેશમાં જાણીતાં છે. તેમને જ્યાર ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી) કાર્યક્રમમાં સ્પેશ્યલ ઑડિયન્સ તરીકે જવાનો ચાન્સ મળ્યો ત્યારે રિંતુબહેને ચૉકલેટમાંથી કેબીસીના હોસ્ટ અને કરોડો દિલોના ફેવરિટ સ્ટાર અમિતાભ બચ્ચનનું સ્ક્લ્પ્ચર બનાવીને તેમને ભેટ કરવાનું વિચાર્યું. એ સંદર્ભે રિંતુ રાઠોડ કહે છે, ‘અમને કેબીસીનું આમંત્રણ આવ્યું ત્યારે તરત તો મેં હા નહોતી પાડી, કારણ કે મારો દીકરો ટ્વેલ્વથમાં છે અને અત્યારે તેના શિડ્યુલને ફોકસ કરવું જરૂરી છે. શૂટિંગમાં જવાના બે દિવસ પહેલાં નક્કી કર્યું કે હું જઈશ અને ત્યારે વિચાર્યું કે મિસ્ટર બચ્ચનને તેમનું ચૉકલેટી શિલ્પ ગિફ્ટ આપું, પરંતુ એ કાર્યક્રમમાં કોઈ વસ્તુ લઈ જવા માટેની સ્પેશ્યલ પરમિશન પ્રોસેસ છે અને એમાં જો તમને મંજૂરી મળે તો તમે જે-તે વસ્તુ લઈ જઈ શકો. આ મંજૂરી મેળવવામાં થોડો ટાઇમ લાગ્યો અને સેટ પર પહોંચવાના ૧૨ કલાક પહેલાં જ મને અનુમતિ મળી.’
એક રાતનો ઉજાગરો, પાંચ કલાકની સખત મહેનત બાદ રિંતુબહેને ૧૦ કિલો ચૉકલેટમાંથી ૧૨ ઇંચ હાઇટ અને સાડાસાત ઇંચ પહોળાઈ ધરાવતું ઑલમોસ્ટ બચ્ચનજીના ચહેરાનું લાઇફસાઇઝ સ્ટૅચ્યુ તૈયાર કર્યું. રિંતુબહેન કહે છે, ‘સમયના અભાવે આ પ્રતિમા મારા હિસાબે અપ ટુ ધ માર્ક નથી બની, પણ બચ્ચનસર એ જોઈને બહુ ખુશ અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને એ વાતની નવાઈ લાગી કે આ પોર્ટ્રેટ સ્ક્લ્પ્ચર ચૉકલેટમાંથી બનાવ્યું છે. તેમણે પૂછી પણ લીધું કે ‘ક્યા યે સચમુચ ખાનેવાલી ચૉકલેટ મેં સે બનાયા હુઆ હૈ?’ મારી સાથે વાત કરતાં જ્યારે મેં કહ્યું કે હું ચૉકલેટમાંથી વક્રતુંડ બનાવું છું ત્યારે કહ્યું ‘ઓહ, વો આપ હૈ જો ચૉકલેટમેં સે ગણેશજી બનાતે હૈં...’ મારે માટે ગૌરવની વાત હતી કે તેમને ચૉકલેટ ગણપતિના કન્સેપ્ટનો ખ્યાલ છે. અમિતાભજીએ એ પણ કહ્યું કે તબિયતને કારણે તેઓ ચૉકલેટ ખાતા નથી પરંતુ તેમના પરિવારજનો ચૉકલેટપ્રેમી છે.’
જોકે ઍન્ગ્રી યંગ મૅનને અવઢવ એ હતી કે આ પ્રતિમાને કટ કરીને ખાવી કઈ રીતે? ત્યારે રિંતુબહેને તેમને આઇડિયા આપ્યો કે આપના પુત્ર અભિષેકને કહેજો કે આ સ્કલ્પ્ચર પર દૂધનો અભિષેક કરે એટલે ઑટોમૅટિક શિલ્પ એમાં ઓગળી જશે અને પછી એ ચૉકલેટ-મિલ્ક તેમના નિવાસસ્થાને મળવા આવતા ફૅન્સમાં વહેંચે. રિંતુબહેન કહે છે, ‘આ આઇડિયા સાંભળીને તેઓ ખુશ થઈ ગયા અને મને એમ પણ પૂછ્યું કે તમારું બીજું ક્રીએશન જોઈતું હોય તો ક્યાં મળે?’
૧૫ મિનિટની વન ટુ વન વાતચીતમાં રિંતુબહેને તેમની સાથે ગયેલાં તેમના પૅથોલૉજિસ્ટ બહેન ડૉ. કૃષ્ણા દેસાઈની ઓળખાણ કરાવી અને ઉમેર્યું કે બચ્ચનસાહેબનું બ્લડ આ ડૉ. દેસાઈની લૅબમાં ટેસ્ટ માટે આવે છે ત્યારે અમિતાભ બચ્ચને ડૉ. કૃષ્ણાને હસતાં-હસતાં પૂછ્યું કે ‘મૅડમ હમારા ખૂન ઠીક તો હૈ ના? કોઈ ગરબડ તો નહીં?’
બિગ બીની નમ્રતા, એનર્જી તેમ જ અન્યોને રિસ્પેક્ટ આપવાના ગુણથી અભિભૂત થઈ જનારાં રિંતુબહેન કહે છે, ‘અમિતાભજી સાથેનું આ કન્વર્સેશન કરોડો રૂપિયા જીત્યાની ખુશીથી પણ વિશેષ છે. તેમના આવા સદ્ગુણોથી જ તેઓ મિલેનિયમ સ્ટાર કહેવાયા છે.’
અલ્પા નિર્મલ