02 December, 2023 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑટો-ડ્રાઇવરનો લાઇવ શો જોઈને અમિત ત્રિવેદી પણ હરખાયો
ઑટો-ડ્રાઇવરને મોહમ્મદ રફીનું ગીત ‘ખોયા-ખોયા ચાંદ...’ ગાતો જોઈ અમિત ત્રિવેદી પણ આ લાઇવ કૉન્સર્ટનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં પોતાને રોકી શક્યો નહોતો. પૈડાં પર દોડતા આ લાઇવ સ્ટેજ પર્ફોર્મન્સે સિંગર-મ્યુઝિશ્યનનું પણ ધ્યાન ખેંચ્યું હતું અને તેણે રિક્ષા સાથે જ પોતાની કાર ચલાવવાનું વિચાર્યું જેથી આ અદ્ભુત નઝારાનો લાભ લઈ શકે, જેનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો હતો.
ઑટોને સુંદર લાઇટથી શણગારવામાં આવી હતી જેથી ડ્રાઇવર મોહમ્મદ રફીનાં ગીત ખૂબ જ ઉત્સાહ સાથે ગાઈને આનંદમાં વાહન ચલાવી શકે. અમિત ત્રિવેદીએ લખ્યું છે કે ‘મુંબઈની સડકો પર પ્યૉર પૅશનની ઝલક મેળવી. એક સજ્જન પુરુષે બાંદરામાં ક્યાંક પોતાની સવારીને પૈડાંવાળા કૉન્સર્ટ સ્ટેજમાં તબદિલ કરી દીધી. આ ઘટનાએ મારું મન ઉત્સાહથી ભરી દીધું. આ ક્ષણે મને યાદ અપાવ્યું કે આપણા દેશમાં કેટલી ટૅલન્ટ ભરેલી છે. આઇ વિશ કે હું આ તક ઝડપીને તેને મળી શક્યો હોત.’