23 October, 2023 07:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતમાં નૉર્વેનાં રાજદૂત મે-એલિન સ્ટેનરે દિવાળીની ઉજવણી માટે સાડીની ખરીદી કરી હતી, ત્યારે યુએસ ઍમ્બૅસૅડર એરિક ગારસેટીએ દિલ્હીમાં દુર્ગાપૂજા સાથે પરંપરાગત ધુનુચી ડાન્સ કર્યો હતો
વર્ષોથી દુનિયાના લોકો ભારતના કલરફુલ તહેવારોની ઉજવણી અને પરંપરાઓથી પ્રભાવિત થતા આવ્યા છે, ત્યારે હવે વિવિધ દેશના રાજદૂતો અહીં ભારતીય તહેવારોની મજા માણી રહ્યા છે. ભારતમાં નૉર્વેનાં રાજદૂત મે-એલિન સ્ટેનરે દિવાળીની ઉજવણી માટે સાડીની ખરીદી કરી હતી, ત્યારે યુએસ ઍમ્બૅસૅડર એરિક ગારસેટીએ દિલ્હીમાં દુર્ગાપૂજા સાથે પરંપરાગત ધુનુચી ડાન્સ કર્યો હતો.
નૉર્વેનાં ઍમ્બૅસૅડરે કુરતો પહેરેલા પતિ સાથે ત્રણ અલગ-અલગ સાડીઓમાં પોતાની એક કોલાજ તસવીર શૅર કરતાં કહ્યું, ‘આ અઘરી પસંદગી હતી, કારણ કે ત્યાં સાડીઓમાં ઘણા બધા રંગ, કાપડ અને વણાટ હતાં. કેટલી અદ્ભુત કારીગરી છે! વિચારું છું કે હું લાલ પહેરીશ. તમને શું લાગે છે?’ તેમણે ઉમેર્યું કે તેના પતિ પણ તહેવાર માટે પરંપરાગત પોશાક પહેરવાનું વિચારી રહ્યા છે. તેમને માટે કુરતા પસંદ કરવાનું ખૂબ સરળ હતું. એક યુઝરે કમેન્ટ કરી, ‘મૅડમ ઍમ્બૅસૅડર, તમે આ બધા જ રંગમાં સુંદર દેખાઈ રહ્યાં છો.’ બીજા એક વ્યક્તિએ કહ્યું, ‘અમેઝિંગ! તમે સાડી ખૂબ સારી રીતે પહેરો છો ઍમ્બૅસૅડર.’
યુએસના ઍમ્બૅસૅડર એરિક ગારસેટીએ દિલ્હીના ચિત્તરંજન પાર્કમા દુર્ગાપૂજા પંડાલની મુલાકાત લીધી હતી. એરિક ગારસેટ્ટીના એક્સ અકાઉન્ટ પર શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં પંડાલ-મુલાકાત દરમ્યાન તેઓ આકર્ષક બંગાળી સ્ટ્રીટ ફૂડનો આનંદ લઈ રહ્યા છે એટલું જ નહીં, અમેરિકાના રાજદૂતે ધુનુચી ડાન્સ પણ કર્યો હતો. ધુનુચી એ દેવી દુર્ગાને સમર્પિત એક નૃત્ય છે. પૌરાણિક કથાઓ અનુસાર દેવી દુર્ગાએ પોતાની ઊર્જા ફેલાવવા માટે ધુનુચી (માટીના ધૂપ) સાથે નૃત્ય કર્યું હતું. આ જ કારણસર આજે પણ ધુનુચી નૃત્ય દુર્ગાપૂજાનું અભિન્ન અંગ છે.