મિસ નેપાલ વર્લ્ડ સાથે અન્ય ૩૦ મહિલાઓ શા માટે માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી ચડવા જવાની છે?

05 March, 2024 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ અભિયાનનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જળવાયુ પરિવર્તન અને મહિલા સશક્તીકરણ પર પ્રકાશ પાડવાનો છે.

૩૦ નેપાલી મહિલાઓની એક ટીમ

હિમાલય પર જળવાયુ પરિવર્તનની ભયજનક અસરને ઉજાગર કરવાના પ્રયાસરૂપે ૩૦ નેપાલી મહિલાઓની એક ટીમ ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પમાં પહોંચવા માટે સજ્જ થઈ ગઈ છે. આ ટીમમાં બ્યુટી ક્વીન, પૉલિટિશ્યન, સામાજિક કાર્યકર, મેડિકલ પ્રોફેશનલ અને પત્રકારોનો સમાવેશ છે. સાથ સાથાઈ નામની સંસ્થા દ્વારા પ્રેરિત આ મહિલાઓએ કાઠમાંડુથી તેમની યાત્રા શરૂ કરી છે. આ ટીમનું અંતિમ ધ્યેય એવરેસ્ટ બેઝ કૅમ્પની નજીક ૫૫૦૦ મીટરની ઊંચાઈએ કાલા પત્થર સુધી પહોંચવાનું છે.

આ અભિયાનનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જળવાયુ પરિવર્તન અને મહિલા સશક્તીકરણ પર પ્રકાશ પાડવાનો છે. આ ટીમમાં મિસ નેપાલ વર્લ્ડ શ્રીચ્છા પ્રધાન પણ છે જે પર્યાવરણને બચાવવાની કવાયત કરી રહી છે. એવરેસ્ટ ક્ષેત્રને અસર કરતા આબોહવા પરિવર્તનના સળગતા મુદ્દાને ઉકેલવા માટે પૉલિટિક્સથી લઈને જર્નલિઝમ એમ વિવિધ ક્ષેત્રની મહિલાઓ આ ગ્રુપમાં જોડાઈ છે. ૮ માર્ચે આ ટીમ કાલા પત્થર ખાતે પહોંચશે. મહિલાઓની આ પહેલ એવરેસ્ટ ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તનનાં ભયંકર પરિણામો અને પર્વતીય સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જાગૃતિ લાવવા એવરેસ્ટ પ્રદેશમાં કૂચ કરવાની યોજના ધરાવે છે. 

આ મિશન કેમ આટલું મહત્ત્વનું છે એ જણાવતાં આ મહિલાઓ ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના ૨૦૨૩ના રિપોર્ટ તરફ ધ્યાન દોરે છે ,જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે માઉન્ટ એવરેસ્ટની આસપાસનાં ૭૯ ગ્લૅશિયર્સ છેલ્લા ૬ દાયકામાં ૧૦૦ મીટરથી વધુ પીગળ્યાં છે, એટલું જ નહીં, ૨૦૦૯ બાદ આ પ્રોસેસ વધુ તીવ્ર બની છે. નેપાલી મહિલાઓનું આ એવરેસ્ટ અભિયાન જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે એકતા, વિવિધતા અને સ્થિતિસ્થાપકતાનું શક્તિશાળી પ્રતીક છે. 

offbeat videos offbeat news mount everest