07 July, 2024 09:49 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અક્ષતા મૂર્તિ
યુનાઇટેડ કિંગડમ (UK)માં હાઉસ ઑફ કૉમન્સની ચૂંટણીમાં પરાજિત થયા બાદ જ્યારે રિશી સુનકે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ઊભા રહીને ફેરવેલ સ્પીચ આપી ત્યારે તેમની પાછળ શાંત ઊભી રહેલી તેમની પત્ની અક્ષતા મૂર્તિએ વખતે તેણે પહેરેલા ડ્રેસના કારણે ટ્રોલ થઈ રહી છે. આશરે ૪૨,૦૦૦ રૂપિયા (૩૯૫ પાઉન્ડ)ના આ ડ્રેસની ડિઝાઇનને કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.
અક્ષતા મૂર્તિએ બ્લુ, સફેદ અને લાલ રંગની પૅટર્નવાળો ડ્રેસ પહેર્યો હતો એના પર સૌની નજર હતી. આ ડ્રેસનો કલર બ્રિટનના ધ્વજના બ્લુ, સફેદ અને લાલ રંગ સાથે મળતો આવે છે. એમાં નીચેની તરફ લાલ, બ્લુ અને સફેદ રંગની પટ્ટીઓ બની હતી જે કન્ઝર્વેટિવ પાર્ટી (ટોરીઝ)ના ધ્વજનો રંગ છે. હાઈ નેકવાળા આ ડ્રેસમાં બ્લુ રંગની પટ્ટીઓ નીચે તરફ જતી દેખાય છે અને એની બૉટમ લાલ રંગની છે. લોકોનું કહેવું છે કે અક્ષતાનો આ ડ્રેસ ટોરીઝની વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ છે અને એની સ્થિતિ જણાવે છે.