06 December, 2022 08:53 AM IST | Aizawl | Gujarati Mid-day Correspondent
ઐઝવાલ શહેરનો ટ્રાફિક
ભારત દેશની મુખ્ય સમસ્યા ટ્રાફિકની ગીચતા છે. પાર્કિંગ માટે જગ્યા નથી, રસ્તાઓ માણસો અને ટ્રાફિકથી ભરેલા અને તૂટેલી ફુટપાથ જેવાં કેટલાંક પરિબળો આના માટે જવાબદાર છે. મુંબઈ અને બૅન્ગલોર જેવાં શહેરો ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક જૅમ માટે સમગ્ર વિશ્વમાં બદનામ છે. જોકે એક ભારતીય શહેર છે, જે ટ્રાફિક મૅનેજમેન્ટ માટે નેટિઝન્સની પ્રશંસા મેળવી રહ્યું છે.
ઇન્ટરનેટ યુઝર એલિઝાબેથે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં ઐઝવાલ શહેરનો ટ્રાફિક જોઈ શકાય છે. અહીં રસ્તાની જમણી તરફ કાર પાર્ક કરેલી છે, જ્યારે કે અન્ય કાર લાઇનમાં કોઈ પણ હૉન્કિંગ કે ઓવરટેક વિના સરકી રહી છે. કારની બાજુમાં મોટરચાલકો માટે અલાયદી લાઇન છે અને તમામ ટૂ-વ્હીલરના ચાલકોએ હેલ્મેટ પહેરી છે. લેન માર્કિંગ કે બ્લૉક્સ વિના જ મુસાફરો પોતાની જાતે જ લેન ટ્રાફિકનું પાલન કરે છે. ઐઝવાલ શહેરને નેટિઝન્સ દેશના એકમાત્ર શાંત શહેર તરીકે ઓળખાવે છે.
એલિઝાબેથે વિડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે ઐઝવાલમાં લોકો શાંતિથી વાહન હંકારી રસ્તા પર આગળ વધવા પોતાના વારાની રાહ જુએ છે. પોતે ઉતાવળમાં હોવાથી અન્યની સુરક્ષાને જોખમમાં મૂકતાં તેઓ શરમ અને ગ્લાનિ અનુભવે છે. આ માનસિકતા દેશના પ્રત્યેક શહેરના લોકોએ કેળવવા જેવી છે. ૨૪ નવેમ્બરે પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૫૦ લાખ કરતાં વધુ વ્યુઝ અને બે લાખ લાઇક્સ મળ્યા છે.