28 December, 2023 03:40 PM IST | Victoria | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેનેડિયન ટ્રાન્સપોર્ટેશન એજન્સી (Canadian Transportation Agency)એ એર કેનેડા (Air Canada) પર ૯૭,૫૦૦ ડૉલર એટલે કે ૮૧,૨૦,૮૬૭ રુપિયાનો દંડ લગાવ્યો છે. લાસ વેગાસ (Las Vegas)માં એક દિવ્યાંગ મુસાફરને વિમાનમાંથી ઉતરવા પર મજબૂર કર્યો હતો અને તેને વ્હીલચેરની સુવિધા આપવામાં નહોતી આવી. આ ઘટના 30 ઓગસ્ટના રોજ બની હતી. સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સી (Spastic Cerebral Palsy)થી પીડિત મુસાફર રોડની હોજિન્સ (Rodney Hodgins) તેના પગને હલાવી શકતા નહોતા છતા તેમને પોતાની જાતે ફ્લાઇટમાંથી ઉતરવા પર મજબૂર કરવામાં આવ્યા હતા.
બ્રિટિશ કોલંબિયા (British Columbia)ના ૪૯ વર્ષીય હાર્ડવેર સેલ્સમેન રોડની હોજિન્સ અને તેમની પત્ની ડીના હોજિન્સ (Deanna Hodgins) તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા ઓગસ્ટમાં લાસ વેગાસ ગયા હતા. ત્યાં તેણે એર કેનેડાના પ્લેનમાંથી નીચે ઉતરવું પડ્યું હતું. ત્યારે પત્નીએ તેના દિવ્યાંગ પતિ માટે વ્હીલચેરની માગણી કરી હતી. જોકે, એટેન્ડન્ટે વ્હીલચેર નહીં મળે તેમ કહીને ના પાડી દીધી હતી. પેસેન્જર સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સીથી પિડીત છે જેના કારણે તેને વ્હીલચેરની જરૂર પડે.
હોજિન્સ દંપતીને શરૂઆતમાં લાગ્યું કે ફ્લાઇટ એટેન્ડન્ટ મજાક કરી રહ્યો છે, પરંતુ થોડા સમય પછી તેમને સમજાયું કે તે મજાક નથી અને ખરેખર તેના પતિ માટે વ્હીલચેર નહીં પડે. એટેન્ડન્ટે ભાર આપીને કહ્યું કે વ્હીલચેર નહીં મળે અને તેણે જાતે જ વિમાનમાંથી ઉતરવું પડશે. દંપતીએ કહ્યું કે, ફ્લાઇટ એટેન્ડન્ટે તેમને પૂછ્યું કે શું તેઓ પ્લેનના આગળના ભાગમાંથી નીચે ઉતરી શકે છે. જેના જવાબમાં હોજિન્સે કહ્યું, `હું ચાલી શકતો નથી. મારે વ્હીલચેરની જરૂર પડશે. હું મારી જાતે નહીં ઉતરી શકું.` આ પછી પણ દંપતીને કોઈ મદદ કરવામાં આવી ન હતી. જો કે, આખરે હોજિન્સે નક્કી કર્યું કે, તે પોતે પ્લેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરશે. તેને તેના શરીરના ઉપલા ભાગની શક્તિનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી અને પોતાની જાતને ઢસડીને ૧૨ દાદરા ઉતર્યો હતો. એટલું જ નહીં, આ દરમિયાન તેની પત્નીએ તેના પગ પકડી રાખ્યા હતા. હોજિન્સે જણાવ્યું કે ફ્લાઇટ એટેન્ડન્ટે તેને બીજી વખત પ્લેનમાંથી ઉતરવાનું કહ્યું, તો તે ઊભો થયો અને તેની પત્નીને કહ્યું, `મારા પગ પકડ હું પોતાની જાતને ઢસડીને ઉતરવાનું શરુ કરીશ.`
હોજિન્સની પત્નીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની આખી વ્યથા જણાવી હતી. તેણે કહ્યું કે, ‘તે ખૂબ જ શરમજનક ક્ષણ હતી. બધા અમને વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા. હોજિન્સના પગમાં ઈજા થઈ હતી, જ્યારે મારી પીઠમાં ઈજા થઈ હતી. ઈજા કરતાં પણ વધુ અમને ભાવનાત્મક ઈજા થઈ છે. મારા પતિ ખૂબ સારા છે અને તેમની સાથે આવું નહોતું થવું જોઈતું હતું. મારા પતિના માનવ અધિકારોને કચડી નાખવામાં આવ્યા હતા અને એર કેનેડાએ અમને કોઈ જવાબ આપ્યો ન હતો.’
જો કે, એર કેનેડાએ પાછળથી હોજિન્સની માફી માંગી અને નવેમ્બરમાં સ્વીકાર્યું કે તેણે કેનેડિયન અપંગતા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે એક નવા નિવેદનમાં, એર કેનેડાએ કહ્યું કે તે આ ભુલની ભરપાઈ કરવા પર ધ્યાન આપી રહ્યાં છે.