23 March, 2023 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એઆઇના ઉપયોગથી સ્વર્ગસ્થ મહાનુભાવોના સેલ્ફી જનરેટ કર્યા
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. દરેક વસ્તુ કે સુવિધાના ફાયદાની સાથોસાથ ગેરફાયદા પણ હોય જ છે. પોતાને એઆઇ ઉત્સાહી ગણાવતા જ્યો જૉન મુલ્લર નામના એક કલાકારે એઆઇની મદદથી મહાત્મા ગાંધી, મધર ટેરેસા, અબ્રાહમ લિન્કન, એલ્વિસ પ્રેસ્લી અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા ભૂતકાળના મહાન નેતાઓ તેમ જ મૅરિલિન મનરો, બૉબ માર્લીના ફોટોગ્રાફનો ઉપયોગ કરીને સેલ્ફી જનરેટ કર્યા છે.
આ નેતાઓ કે મહાનુભવોના ફોટો સાથેના સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેણે કૅપ્શનમાં લખ્યું છે, ‘મારી જૂની હાર્ડ ડ્રાઇવ પુન: પ્રાપ્ત કરતાં મને ભૂતકાળના મિત્રો દ્વારા મોકલવામાં આવેલા સેલ્ફીનો ખજાનો મળ્યો છે.’ આ પોસ્ટે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે તથા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે જૉન મુલરની ભરપેટ પ્રશંસા કરી છે.