અમદાવાદમાં યોજાનારી મૅરથૉનમાં વિજેતાઓને મળશે કોલ્ડપ્લેની ટિકિટ

28 December, 2024 06:18 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતના અમદાવાદમાં ૫ જાન્યુઆરીએ યોજાનારી મૅરથૉન દોડમાં ત્રણ કૅટેગરીમાં વિજેતા થનારા પ્રથમ વિજેતાઓને આયોજકો તરફથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોલ્ડપ્લે કૉન્સર્ટની ટિકિટ ઇનામ તરીકે આપવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના અમદાવાદમાં ૫ જાન્યુઆરીએ યોજાનારી મૅરથૉન દોડમાં ત્રણ કૅટેગરીમાં વિજેતા થનારા પ્રથમ વિજેતાઓને આયોજકો તરફથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોલ્ડપ્લે કૉન્સર્ટની ટિકિટ ઇનામ તરીકે આપવામાં આવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ કોલ્ડપ્લે કૉન્સર્ટનું આયોજન થયું છે અને એનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો ટિકિટો મેળવવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ઇન્ટરનૅશનલ અસોસિએશન ઑફ સ્ટુડન્ટ્સ ઇન ઇકૉનૉમિક્સ ઍન્ડ બિઝનેસ જેને ટૂંકમાં આઇસેક નામથી ઓળખવામાં આવે છે. એના દ્વારા અમદાવાદમાં યોજાનારી ગ્લોબલ ગોલ્સ રનમાં જે વિજેતા થશે તેને કોલ્ડપ્લેની ટિકિટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ વિશે માહીતી આપતાં આઇસેકના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ નિર્મલ મોર્યાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંસ્થા દ્વારા વાય. એમ. સી. એ. ક્લબથી કૉર્પોરેટ રોડ પર ગ્લોબલ ગોલ્સ રનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩ કિલોમીટર, ૫ કિલોમીટર અને ૧૦ કિલોમીટરની દોડ યોજાશે. આ ત્રણ કૅટેગરીના વિજેતાઓને સ્પેશ્યલ હૅમ્પર્સ સહિતનાં ઇનામો આપવામાં આવશે તેમ જ ભાગ લેનારા તમામને સર્ટિફિકેટ અપાશે. આ ઉપરાંત આ દોડમાં યુવાનોને જોડવા માટે ત્રણેય કૅટેગરીમાં પ્રથમ આવનારા વિજેતાને અમદાવાદમાં યોજાનારી કોલ્ડપ્લેની ટિકિટ ફ્રીમાં આપવામાં આવશે. અમારો હેતુ આ દોડમાં વધુમાં વધુ યુવાનો ભાગ લે એ છે.’

ahmedabad narendra modi stadium coldplay gujarat gujarat news news offbeat news