28 November, 2024 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પતિ-પત્નીનો ઝઘડો ઘણી વાર છૂટાછેડા સુધી પહોંચી જતો હોય છે. આ વાત ગંભીર તો છે જ પણ સામાન્ય છે, જ્યારે ગ્વાલિયરમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું જે પરિણામ આવ્યું એ માન્યામાં ન આવે એવું છે. ગ્વાલિયરના આનંદનગર વિસ્તારમાં રહેતા શ્રીરામ કુશવાહ અને પત્ની રજની વચ્ચે છાશવારે ઝઘડા થતા રહે છે. સોમવારે બન્ને વચ્ચે ફરીથી ઝઘડો થયો અને એટલો ઉગ્ર થયો કે પતિ આકરા પાણીએ આવી ગયો. તેણે પત્ની પરનો ગુસ્સો સાસરેથી દહેજમાં મળેલી વસ્તુઓ પર કાઢ્યો. લગ્ન ટાણે દહેજમાં મળેલી બધી વસ્તુઓ શ્રીરામે ઘરની બહાર ફેંકી અને પછી કેરોસીન છાંટીને આગ લગાડી દીધી. પછી આરામથી ત્યાં આંટા મારતો હતો. આગની જ્વાળાઓ જોઈને પાડોશીઓએ ફાયર-બ્રિગેડને જાણ કરી હતી. ફાયર-બ્રિગેડે આવીને આગ ઓલવી અને પોલીસ પતિ-પત્ની બન્નેને પોલીસ-સ્ટેશન લઈ ગઈ. બન્નેને સમજાવ્યાં, કાઉન્સેલિંગ કરીને પાછાં મોકલ્યાં.