વીસ વખત ડેટ પર ગયા પછી પણ યોગ્ય પાત્ર ન મળતાં મૅચમેકિંગનો બિઝનેસ શરૂ કરી દીધો

30 March, 2024 02:58 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વાસ્તવમાં એક છોકરી પોતાને માટે પાત્ર શોધવા આવી હતી અને તેને ઝોઉ સાથે પ્રેમ થઈ ગયો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આજે ડેટિંગ ઍપ્સ કે મૅચમેકિંગ દ્વારા ઘણા લોકો જીવનસાથી શોધવામાં સફળ થાય છે, પણ એમાં દર વખતે યોગ્ય પાત્ર મળે એ જરૂરી નથી. ચીનમાં એક ભાઈ સાથે આવું જ થયું, પણ તેની સ્ટોરીમાં અલગ જ ટ્વિસ્ટ આવ્યો. ૨૦૧૬માં ૩૪ વર્ષના ઝોઉ શિપેંગ પર માતા-પિતાએ લગ્ન કરવાનું દબાણ કરતાં તે ૨૦ જેટલી બ્લાઇન્ડ ડેટ પર ગયો હતો છતાં તેને ગમતું પાત્ર ન મળ્યું. જોકે પોતાને પ્રેમ ન મળ્યો એટલે નિરાશ થવાને બદલે તેણે બીજા લોકો માટે પાર્ટનર શોધવા મૅચમેકિંગ બિઝનેસ શરૂ કરી દીધો.

રસપ્રદ વાત એ છે કે તેને મૅચમેકર તરીકે જોરદાર સફળતા અને જીવનસાથી બન્ને મળી ગયાં! વાસ્તવમાં એક છોકરી પોતાને માટે પાત્ર શોધવા આવી હતી અને તેને ઝોઉ સાથે પ્રેમ થઈ ગયો. ઝોઉ આ બિઝનેસમાં એટલા માટે સફળ થયો, કારણ કે ચીનમાં સામાન્ય રીતે વડીલો મૅચમેકિંગ કરતા હોય છે, પણ ઝોઉ યુવાન હતો અને તેણે દરેક વ્યક્તિ અને તેમની જરૂરિયાતોને સમજીને યોગ્ય જીવનસાથી શોધવાના પ્રયાસ કર્યા હતા. અત્યાર સુધીમાં તેણે ૩૪૬ કપલને પાર્ટનર શોધવામાં મદદ કરી છે.

china international news offbeat news