19 May, 2024 03:03 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
લમ્બોર્ગિની
કારના શોખીનોમાં લમ્બોર્ગિનીનું ખાસ સ્ટેટસ છે. એમાં પણ અંદાજે ૭થી ૮ કરોડ રૂપિયાની કિંમતની લમ્બોર્ગિની ટેર્ઝો કોઈ પણ કારપ્રેમી માટે ડ્રીમ હોય છે. જોકે ગુજરાતના એક યુટ્યુબરે જબરો જુગાડ કરીને માત્ર ૧૨.૫ લાખ રૂપિયામાં પોતાની હૉન્ડા સિવિક કારને લમ્બોર્ગિની ટેર્ઝોમાં ફેરવી નાખી છે. ધવલ તન્ના નામના આ યુટ્યુબરે હૉન્ડામાંથી લમ્બોર્ગિની બનાવવાની આખી પ્રક્રિયાનો રસપ્રદ વિડિયો બનાવ્યો છે. વિડિયોમાં ધવલ અને તેની ટીમના માણસો એન્જિન, કૅબિનમાં ઘરે બનાવેલી મેટલ પાઇપ ફિટ કરતા જોવા મળે છે એટલું જ નહીં, આ ટ્રાન્સફૉર્મેશનમાં મારુતિ, હ્યુન્દાઇ જેવી અન્ય કારના કેટલાક પાર્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કામ પૂરું થયા પછી સર્જાયેલી કારને જોઈને ભાગ્યે જ કોઈ કહી શકે કે આ અસલી લમ્બોર્ગિની નથી. હા, કારનાં ફીચર્સ કે સ્પીડ લમ્બોર્ગિની જેવાં નથી, પણ લુક અદ્દલ એના જેવો છે.