28 November, 2024 01:38 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર લાઇક્સ અને કમેન્ટ્સ મેળવવા, ફૉલોઅર્સ વધારવા માટે ઘણી વાર લોકો પ્રમાણભાન ભૂલી જતા હોય છે અને ફજેતી થતી હોય છે. હરિયાણાના પાણીપતમાં સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ યુવાન સાથે આવું જ થયું. એ યુવાન પાણીપતના ભરચક ઇન્સાર બજારમાં રીલ બનાવવા પહોંચ્યો. આ ભાઈ બ્રા પહેરીને રસ્તા વચ્ચે અશ્લીલ ડાન્સ કરતા હતા અને તેનો સાથીદાર દૂર ઊભો-ઊભો વિડિયો ઉતારતો હતો. આ ભાઈને જોઈને મહિલાઓને ખચકાટ થતો હતો અને વેપારીઓનો પણ પિત્તો ગયો. બધાએ રસ્તા વચ્ચે અશ્લીલ ડાન્સ કરતા યુવાનને પકડીને માર્યો. ગાલ પર ધડાધડ તમાચા પડ્યા. આવી હરકત કરવાનું કારણ પૂછ્યું તો યુવાને કહ્યું કે હું સોશ્યલ મીડિયામાં બહુ ફેમસ છું અને મારા આવા વિડિયો બહુ વાઇરલ થાય છે. એટલે રીલ બનાવવા માટે તે અહીં બ્રા પહેરીને ડાન્સ કરતો હતો. બરાબરનો માર ખાધા પછી યુવાને વેપારીઓની હાથ જોડીને માફી માગી હતી અને હવે પછી આવું નહીં કરું એવો વિશ્વાસ પણ અપાવ્યો હતો. વેપારીઓએ તેને વડીલોની જેમ બેસાડીને સમજાવ્યો કે આવા વિડિયો સમાજમાં ખોટો સંદેશો પહોંચાડતા હોય છે, આપણી સંસ્કૃતિને અસર પડતી હોય છે, આવા વિડિયો જોઈને મહિલાઓને ખચકાટ થાય, આપણે સમાજમાં સારો સંદેશો આપવો જોઈએ.