15 June, 2024 11:45 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પબ્લિક ટૉઇલેટમાં ઘણી વાર ભીડ ખૂબ વધારે હોય અને કોઈ વ્યક્તિ બેથી ચાર મિનિટ જેટલો સમય પણ ટૉઇલેટમાં ખેંચી નાખે તો બહાર ઊભેલા લોકોની ધીરજ ખૂટી જાય. જોકે ચીનના શાંક્સી પ્રાંતમાં આવેલું યુગાંગ બુદ્ધિષ્ઠ પ્રાચીન મંદિર યુનેસ્કોના હેરિટેજ ટેમ્પલ્સમાં સ્થાન પામ્યું છે એટલે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે. આ મંદિરમાં ભીડ સારીએવી રહેતી હોવાથી દર્શનાર્થીઓ માટે ખાવાપીવાથી લઈને બેઝિક બાથરૂમની સુવિધાઓ નવી બનાવવામાં આવી છે. આ મંદિરના પ્રાંગણની બહાર જે જાહેર ટૉઇલેટ છે એના પર એક ટાઇમર લગાવવામાં આવ્યું છે. જ્યારે એ ટૉઇલેટ ખાલી હોય ત્યારે બહારની સ્ક્રીનમાં ગ્રીન લાઇટ સાથે એ ખાલી છે એવો નિર્દેશ આપે છે. જોકે જેવું કોઈ ટૉઇલેટમાં ઘૂસે અને અંદરથી લૉક કરે એટલે ટાઇમર શરૂ થઈ જાય. તમે કેટલા સમયથી અંદર છો એ ટાઇમરમાં દેખાતું રહે. ઘણી વાર આ સ્ક્રીન-ટાઇમરને કારણે લોકો ક્ષોભમાં મુકાઈ જાય છે. આને કારણે કોઈક ચીનીભાઈએ આ બાથરૂમનો બહારથી ફોટો પાડીને આવાં ટાઇમર હટાવી લેવાં જોઈએ એવી ડિમાન્ડ કરી છે. આ પ્રાચીન મંદિરમાં ૨૦૦થી વધુ ગુફા છે અને ભગવાન બુદ્ધની હજારો પ્રતિમા છે.