10 February, 2024 02:10 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
આર્યન સિંહ
ખેતીનું કામ વિવિધ કુદરતી પરિબળો પર આધારિત છે અને એનું વિશ્લેષણ કરવાનું કામ અનુભવ માગી લે છે. જોકે હવે આ કામમાં મદદ કરે એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ધરાવતો રોબો તૈયાર થઈ ગયો છે, જે જમીનનું પરીક્ષણ કરવાથી લઈને પાકને અસર કરતા રોગ અને જીવલેણ જીવાતોને ઓળખવામાં મદદ કરે છે. આ કામ કર્યું છે રાજસ્થાનના કોટામાં રહેતા ૧૮ વર્ષના આર્યન સિંહે.
ગયા મહિને ભારત સરકાર દ્વારા રાજસ્થાનના કોટાના રહેવાસી આર્યન સિંહને સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી કૅટેગરીમાં અવૉર્ડ અપાયો હતો. ખેતીના કામમાં મદદ કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સજ્જ રોબો બનાવવા માટે તેને અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આર્યનનો આ રોબો ખેતીની જમીનનું પરીક્ષણ કરવામાં, પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં અને પાકને અસર કરતા રોગો અને જીવાતોને ઓળખવામાં મદદ કરે છે.
ખેડૂત પરિવારમાં જન્મેલા આર્યન સિંહના બાળપણે ખેડૂતોની વચ્ચે ખેતીકામ જોયું છે. આ દરમ્યાન આર્યને જોયું કે ખેડૂતોને કેટલા બધા પડકારનો સામનો કરવો પડે છે. ખેતીમાં નવીનતાના અભાવે પાક વારંવાર કેવી રીતે બરબાદ થાય છે. એ વિશે આર્યન કહે છે કે પાકને રોગથી બચાવવા, એની દેખરેખ રાખવા અને જીવાતોને મારવા માટે મશીનો છે, પરંતુ મોટા ભાગના ખેડૂતો માટે એ ખૂબ ખર્ચાળ છે. હું કંઈક એવું બનાવવા માગતો હતો જે સસ્તું, કૉમ્પેક્ટ હોય અને ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવે.
આર્યનનું કહેવું છે કે ટેક્નૉલૉજી વિશે વાંચીને આ ક્ષેત્રમાં મારો રસ વધ્યો અને તેણે બીટેક કરવાનું નક્કી કર્યું. એ સમય દરમ્યાન તે મશીન અને એઆઇ કેવી રીતે કામ કરે છે એ શીખ્યો હતો. લગભગ ૩ વર્ષના રિસર્ચ પછી ૨૦૨૩માં તે રોબોનો પ્રથમ પ્રોટોટાઇપ બનાવવામાં સફળ થયો. આર્યને સ્ટાર્ટઅપ્સ માટે રાજસ્થાન સરકારની પહેલ IStartની મદદ લીધી. તેને ત્યાં કામ કરવા માટે જગ્યા, લૅબ અને સપોર્ટ મળ્યો હતો.
આર્યનના રોબોની વિશેષતા એ છે કે તે પાકની સ્થિતિનું વાસ્તવિક સમયમાં ઍનૅલિસિસ કરી શકે છે. એમાં કૅમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે તેની ટોચ પર એક ડ્રૉપર લાગેલું છે જે ખેતરમાં બીજ વિખેરવામાં મદદ કરે છે. તે સેન્સરથી સજ્જ છે જે ખેડૂતોને જમીનનું પૃથક્કરણ કરવામાં અને જંતુઓ વિશે માહિતી આપવામાં મદદ કરે છે. ડ્રૉપરનો ઉપયોગ સિંચાઈ અને જંતુનાશકો છંટકાવ માટે કરી શકાય છે. આર્યને રોબોને જમીન અને પાકનું વિશ્લેષણ કરવા માટે એઆઇથી સજ્જ કર્યું છે. જો તમે અમુક અંતરે કોઈ ફાર્મમાં રોબોનો ઉપયોગ કરવા માગો તો તમારે ફક્ત એક ઍપ્લિકેશનમાં લૉગઇન કરવું પડશે. તેને આ જ હેતુ માટે વિકસાવવામાં આવ્યું છે.