07 September, 2024 09:35 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
બર્ડ્સ નેસ્ટ સૂપ
દુનિયાભરમાં લોકો માંસાહાર કરે છે, કેટલાક દેશોમાં ટર્કી, બતક અને મરઘી જેવાં પક્ષીઓ પણ ખવાય છે. એ તો ઠીક ચીન, તાઇવાન, હૉન્ગકૉન્ગ અને સિંગાપોર જેવા દેશોમાં તો પક્ષીના માળાનો પણ ખાવાપીવામાં ઉપયોગ થાય છે. એને બર્ડ્સ નેસ્ટ સૂપ કે એશિયન બર્લડ સલિવા સૂપ કહે છે. આ સૂપ સ્વિફ્ટલેટ નામના ટચૂકડા પક્ષીના માળામાંથી બનાવવામાં આવે છે. સ્વિફ્ટલેટ નામની ચકલી મોઢામાંથી નીકળતી લાળમાંથી એક વર્ષમાં ત્રણ વાર માળો બનાવે છે. આ માળામાંથી બનેલો સૂપ દક્ષિણ-પૂર્વ એશિયામાં ખૂબ લોકપ્રિય છે અને એક નાનકડી વાટકીની કિંમત ૩૦૦૦ રૂપિયા છે. મોંઘી કિંમતને કારણે આ સૂપનો વિશ્વની સૌથી મોંઘી ડિશમાં સમાવેશ થાય છે. સ્વિફ્ટલેટના માળામાં પણ એક ખાસ પ્રકારનો ‘લાલ માળો’ હોય છે એનો એક કિલોનો ભાવ ૧૦,૦૦૦ ડૉલર એટલે કે ૮ લાખ રૂપિયા સુધીનો હોય છે, જ્યારે સફેદ અને કાળા માળાના કિલોના ભાવ ૪થી પાંચ લાખ રૂપિયા છે. ચીનના લોકો આ સૂપને કૅન્સરની સારવાર માટે અકસીર માને છે. બાળકોની લંબાઈ વધે છે. બર્ડ નેસ્ટ સૂપ પીવાથી શરીરમાં નવા કોષો બને છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ચામડીની ચમક વધારવા અને થાક દૂર કરવામાં પણ એ મદદ કરે છે.