24 March, 2023 10:49 PM IST | Canada | Gujarati Mid-day Correspondent
કૅનેડાના સિખે સૌથી લાંબી દાઢી રાખવાનો પોતાનો રેકૉર્ડ તોડ્યો
કૅનેડાના સિખ સરવણ સિંહ વિશ્વમાં સૌથી લાંબી દાઢી રાખવાનો રેકૉર્ડ ધરાવતા હતા. ૨૦૦૮માં જ્યારે તેમણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આ રેકૉર્ડ નોંધાવ્યો ત્યારે તેમની દાઢીની લંબાઈ ૨.૩૩ મીટર (૭ ફુટ અને ૮ ઇંચ) હતી. આ પહેલાં સૌથી લાંબી દાઢી (૧.૭૭ મીટર એટલે કે લગભગ પાંચ ફુટ નવ ઇંચ)નો વિક્રમ સ્વીડનના બિર્જર પેલાસના નામે નોંધાયેલો હતો. ૨૦૧૦માં સરવણ સિંહે ઇટલીના રોમમાં શો ડેઇ રેકૉર્ડના સેટ પર પોતાની દાઢી માપી ત્યારે એ ૨.૪૯૫ મીટર એટલે કે ૮ ફુટ ૨.૫ ઇંચ લાંબી હતી.
જોકે ૨૦૨૨ની ૧૫ ઑક્ટોબરે તેમણે ફરી દાઢીનું માપ કરાવતાં તેમની દાઢીની લંબાઈ થોડી વધી હતી અને આ વખતે તેમની દાઢીના વાળ સહેજ ભૂખરા થઈ ગયા હતા. સિખ ધર્મનું પાલન કરનાર સરવણ સિંહે ૧૭ વર્ષની વયથી દાઢી વધારવાની શરૂઆત કરી હતી.