18 February, 2023 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિહામણા ‘બિગ ડૅડી’ને મળો
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ એના ઇન્સ્ટાગ્રામ પેજ પર અવારનવાર અદ્ભુત વિડિયો અને ફોટો શૅર કરે છે, જે નેટિઝન્સ ઘણા પસંદ પણ કરે છે. તાજેતરમાં ‘બિગ ડૅડી’ નામે ઓળખાતા મહાકાય કરચલાના બિહામણા ફોટો શૅર કર્યા છે. નોંધનીય છે કેદમાં રહેતા વિશ્વના સૌથી વિશાળ કે મહાકાય જીવની યાદીનો આ કરચલો હિસ્સો છે. આ રેકૉર્ડ વર્ષ ૨૦૧૩ની ૮ ઑગસ્ટે સુનિશ્ચિત કરાયો હતો.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની નોંધ મુજબ રેકૉર્ડ ક્રશિંગ ક્રસ્ટેશિયન ‘બિગ ડૅડી’ એ એક જૅપનીઝ સ્પાઇડર કરચલો છે, જે બ્રિટનના બ્લૅકપુલમાં સમુદ્રી જીવન જીવે છે. બિગ ડૅડીનો એક પગ ૩.૧૧ મીટર (૧૦ ફુટ અને ૨.૫ ઇંચ) લાંબો છે. પ્રોફેશનલ રેસલિંગ સ્ટાર બિગ ડૅડીના નામ પરથી આ કરચલાનું નામ પાડવામાં આવ્યું છે.
બિગ ડૅડી કરચલાની પ્રજાતિમાં સૌથી લાંબા ૧.૪૩ મીટર (૪ ફુટ ૮.૫ ઇંચ) લાંબા પગનો રેકૉર્ડ ધરાવે છે. ત્રણ દિવસ પહેલાં ઑનલાઇન શૅર કરાયા બાદથી આ ફોટોને ૧.૩ લાખ લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યા છે. લોકોને એ બિહામણો લાગ્યો છે.
બિગ ડૅડી ૨૦૧૬ની શરૂઆતમાં લગભગ ૮૦ વર્ષે મૃત્યુ પામ્યા હોવાનું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે જણાવ્યું હતું.