15 September, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રકૃતિના નિયમો આપણે પાળીએ કે ન પાળીએ, લાગુ તો પડે જ છે. ઉત્તર પ્રદેશના કનૌજમાં આવી જ એક દુર્ઘટના બની છે, એને કુદરતી ન્યાય ગણવો કે અકસ્માત એ નક્કી કરવું અઘરું થઈ પડે છે. ગુગરાપુર ગામના વિજય કુમારને હત્યાકેસમાં ૯ વર્ષની જેલની સજા થઈ હતી. સજા પૂરી થયા પછી વિજય કુમારને ઘરે લઈ જવા માટે તેની પત્ની અને પુત્રી આવ્યાં હતાં. ઘરે તેમના સ્વાગતની તૈયારી ચાલતી હતી અને તેમની આતુરતાથી રાહ જોવાતી હતી. ત્રણેય રિક્ષામાં ઘરે આવવા નીકળ્યાં એ દરમ્યાન લખનઉ-આગરા એક્સપ્રેસવે પર પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને ટક્કર મારી અને વિજય કુમારનું ત્યાં જ મૃત્યુ થયું. પત્ની, પુત્રી અને રિક્ષાચાલક ઘાયલ થયાં એટલે તેમને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, પણ ત્યાં વિજય કુમારની દીકરીનું પણ મૃત્યુ થયું.
ગજબનું માર્કેટિંગ! દુકાનનું નામ સ્ત્રી રાખી દીધું
અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી’ તો વખણાઈ હતી અને ‘સ્ત્રી 2’ તો ભલભલા જવાનો અને પઠાણોને પછાડીને આગળ નીકળી ગઈ છે. આ ફિલ્મની સફળતાની લોકો પર કેવી અસર પડી છે એનો તાજો દાખલો સોશ્યલ મીડિયામાં જોવા મળ્યો છે. લેડીઝ આઇટમ વેચતા દુકાનદારે પોતાની દુકાનનું નામ જ ‘સ્ત્રી કલેક્શન’ રાખી દીધું છે. પાછું કૌંસમાં લખ્યું પણ છે, ‘ઓ સ્ત્રી, કલ ફિર આના…’ બોલો, ગજબનું માર્કેટિંગ કરી નાખ્યુંને પોતાની દુકાનનું.