05 February, 2023 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉંદર ડાયમન્ડ નેકલેસ ચોરી ગયો
કાંઈક જુદું જ હોય છે એ વાતને સાચી સાબિત કરે છે જ્વેલરી શૉપનો વાઇરલ થયેલો એક વિડિયો. આ વિડિયોમાં જોઈ શકાય છે કે જ્વેલરી શૉપમાં ગુમ થયેલા ડાયમન્ડ નેકલેસ પાછળ કોઈ ચોરનો નહીં, ઉંદરનો હાથ હતો.
આ ઘટના સીસીટીવી કૅમેરાના ફુટેજમાં કેદ થયા બાદ સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવતાં વાઇરલ થઈ છે. આ વિડિયોને અનેક લોકોએ જુદાં-જુદાં પ્લૅટફૉર્મ પર શૅર કર્યો છે. વિડિયોને ટ્વિટર પર પોસ્ટ કરનાર ટ્વિટર-યુઝરની જેમ જ અન્ય લોકોના મનમાં એક જ પ્રશ્ન ઊઠે છે કે ઉંદરે ડાયમન્ડ નેકલેસ કોને માટે ચોર્યો હશે? શું એ આવી રહેલા વૅલેન્ટાઇન્સ ડેની તૈયારીમાં હશે?
વિડિયોમાં જોઈ શકાય છે કે જ્વેલરી શૉપમાં શેલ્ફ પર ડિસ્પ્લેમાં ડાયમન્ડ નેકલેસ છે. થોડા સમય બાદ આ શેલ્ફની ઉપર પડતી છતમાંથી એક ઉંદર નીચે સરકીને શેલ્ફ પાસે આવે છે. પાછો જવાનો સુરક્ષિત રસ્તો શોધતો હોય એમ થોડી વાર ઊભો રહે છે. ત્યાર બાદ ધીમેકથી નીચે ઊતરીને ડાયમન્ડ નેકલેસ લઈને પાછો પોતાના છુપાવાના સ્થળે ચાલ્યો જાય છે.
આ વિડિયો અપલોડ કરાયો ત્યારથી અત્યાર સુધી એને ૩૦,૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે તથા ૫૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે.