બારમા ધોરણમાં ૯૦ ટકા માર્ક ન મેળવનારને બૅન્ગલોરના મકાનમાલિકે ઘર ભાડે ન આપ્યું

29 April, 2023 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ દિલ્હી, કલકત્તા અને બૅન્ગલોર જેવા શહેરમાં ભાડેથી ઘર શોધવું એક મોટા પડકાર સમાન છે.

બારમા ધોરણમાં ૯૦ ટકા માર્ક ન મેળવનારને બૅન્ગલોરના મકાનમાલિકે ઘર ભાડે ન આપ્યું

મુંબઈ દિલ્હી, કલકત્તા અને બૅન્ગલોર જેવા શહેરમાં ભાડેથી ઘર શોધવું એક મોટા પડકાર સમાન છે. મકાનમાલિકોની જાતજાતની શરત હોય છે. દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં માલિકો બૅચલર્સ અથવા એકલી રહેતી મહિલાને ઘર ભાડે આપતાં ખચકાય છે, તો કેટલાક સ્થળે ભાડેથી રહેનાર વ્યક્તિ દારૂ કે સિગારેટ પીતો હોય તો તેને પણ ઘર ભાડે આપવામાં આવતું નથી. આટલું ઓછું હોય એમ બૅન્ગલોરમાં એક મકાનમાલિકે એક વ્યક્તિને ઘર ભાડે આપવાની એટલા માટે ના પાડી કે એ વ્યક્તિએ ૧૨મા ધોરણની પરીક્ષામાં માત્ર ૭૫ ટકા માર્ક મેળવ્યા હતા. મકાનમાલિક શરૂઆતમાં તો ઘર ભાડે આપવા તૈયાર થયો હતો, પણ બાદમાં એવું કહેવાયું કે ૯૦ ટકા માર્ક ન મેળવ્યા હોય તો ઘર ભાડે મળી શકે એમ નથી. 
   વિચિત્ર ઘટનાની વિગતો આપતાં એક વ્યક્તિએ પોતાના ભત્રીજા શુભ સાથે બૅન્ગલોરમાં બનેલી ઘટના વિશે બ્રોકર સાથેના વૉટ્સઍપ-મેસેજનો સ્ક્રીન-શૉટ શૅર કર્યો હતો, જેને કૅપ્શન આપતાં કહ્યું હતું કે ‘માર્ક ભલે તમારા ભવિષ્યનો નિર્ણય ન લઈ શકે, પરંતુ બૅન્ગલોરમાં ફ્લૅટ ભાડેથી મળશે કે નહીં મળે એ ચોક્કસ નક્કી કરશે.’ 
 ભાડાનું ઘર શોધતાં પહેલાં બ્રોકરે શુભ પાસે આધાર અને પૅન કાર્ડ ઉપરાંત લિન્ક્ડઇન અને ટ્વિટર પ્રોફાઇલ, જે કંપનીમાં જોડાવાનો છે એનો જૉઇનિંગ લેટર, ધોરણ ૧૦ અને ૧૨ની માર્કશીટ માગી હતી. એટલું જ નહીં, પોતાનો પરિચય આપતો ૨૦૦ શબ્દોનો એક પત્ર પણ માગ્યો હતો. એ તમામ માહિતી લીધા બાદ શુભને બ્રોકરે કહ્યું કે ‘તમારી ફ્લૅટ ભાડે આપવાની અરજી નકારવામાં આવી છે, કારણ કે તમે ૧૨મા ધોરણમાં માત્ર ૭૫ ટકા માર્ક મેળવ્યા છે. મકાનમાલિક ૯૦ ટકાની અપેક્ષા રાખે છે.’

offbeat news gujarati mid-day