આ એક ઘર વેચાવા નીકળ્યું છે ૨૪૪૮ કરોડ રૂપિયામાં

10 February, 2024 02:14 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જો આ ઘર વેચાશે તો એ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોંઘું ઘર ગણાશે.

વૉટરફ્રન્ટ કમ્પાઉન્ડ ધરાવતું ઘર

ફ્લૉરિડાના નેપલ્સમાં એક ઘર વેચવાની ઑફર કરવામાં આવી છે. વૉટરફ્રન્ટ કમ્પાઉન્ડ ધરાવતા આ ઘરનો ભાવ જાણીને તમને નવાઈ લાગશે. આ ઘરની કિંમત ૨૯.૫ કરોડ ડૉલર એટલે કે ૨૪૪૮ કરોડ રૂપિયા છે. જો આ ઘર વેચાશે તો એ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોંઘું ઘર ગણાશે.

વેચાણ માટેની આ પ્રૉપર્ટી ગૉર્ડન પૉઇન્ટ નામના દ્વીપકલ્પ પર છે જેમાં ૬ બેડરૂમ, કુલ ૨૪ બાથરૂમ્સ અને ૨૩૧ ફુટની પ્રાઇવેટ યૉટ બેસિનનો સમાવેશ છે. અગાઉ ૮૦ના દાયકામાં આ પ્રૉપર્ટીને ખરીદનાર જૉન ડોનાહ્યુના પરિવારે હવે આ પ્રૉપર્ટી વેચવાની ઑફર કરી છે. અગાઉ ડોનાહ્યુ અને તેમનાં પત્ની રોડોરાએ તેમનાં ૧૩ બાળકો અને ૮૪ પૌત્ર-પૌત્રોના મોટા પરિવાર માટે બીચફ્રન્ટ રિટ્રીટનું નિર્માણ કરીને આશરે ૬૦ એકર સુધી તેમના ઘરને વિસ્તાર્યું હતું. દંપતીના મૃત્યુ પછી આ પરિવારે ૯ એકરના કમ્પાઉન્ડને નાની-નાની પ્રૉપર્ટીમાં ડ્રિસ્ટ્રિબ્યુટ કરવાને બદલે વેચવાનું નક્કી કર્યું હતું.

આ વૈભવી એસ્ટેટ ત્રણ છૂટાછવાયાં ઘરો, એક પ્રાઇવેટ યૉટ બેસિન અને ૧૬૫૫ ફુટ વૉટરફ્રન્ટ ધરાવે છે. લગભગ ૧૧,૫૦૦ ચોરસ ફુટમાં ફેલાયેલું મેઇન રેસિડન્ટ ૧૯૮૯ની સાલની આસપાસ બંધાયું હતું. પછીથી ૧૯૯૦ અને ૨૦૧૩માં બે વધારાનાં ઘર ઉમેરવામાં આવ્યાં હતાં. આ પ્રૉપર્ટી કોલ્ડવેલ બૅન્કર રિયલ્ટીના હૉન મૅક્‍કેના ગ્રુપ દ્વારા માર્કેટમાં લાવવામાં આવી રહી છે. એજન્ટ્સે દાવો કર્યો હતો કે પ્રૉપર્ટીની સાઇઝ, લોકેશન અને પ્રાઇવેટ યૉટ બેસિન સહિતની સુવિધા આશ્ચર્યજનક વેચાણકિંમતને યોગ્ય ઠેરવે છે.

યુએસમાં સૌથી મોંઘા રેસિડેન્શિયલના વેચાણનો વર્તમાન રેકૉર્ડ ૨૦૧૯માં હતો, જ્યારે હેજ ફન્ડના સીઈઓ કેન ગ્રિફિને મૅનહટનમાં આશરે ૨૦૦૦ કરોડ રૂપિયામાં પેન્ટહાઉસ ખરીદ્યું હતું. ગયા વર્ષે બેયોન્સ નોલ્સ અને જય-ઝેડે પણ ૧૬૬૦ કરોડ રૂપિયામાં આલીશાન મૅન્શન ખરીદીને ઐતિહાસિક રિયલ એસ્ટેટ પ્રૉપર્ટીની ખરીદી કરી હતી, જે કૅલિફૉર્નિયામાં વેચાયેલું સૌથી મોંઘું ઘર બન્યું હતું.

offbeat news florida international news