પાંચ વર્ષના અમેરિકન છોકરાને મળ્યો આયર્ન મૅન થીમનો પ્રોસ્થેટિક હાથ

27 May, 2024 08:58 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જૉર્ડન જન્મ્યો ત્યારે તેનો ડાબો હાથ જ નહોતો, આથી તેણે બાયોનિક આર્મ માટે વિનંતી કરી હતી

જૉર્ડન મારોટ્ટા

અમેરિકાના લૉન્ગ આઇલૅન્ડમાં રહેતો પાંચ વર્ષનો જૉર્ડન મારોટ્ટા હાઈ-એન્ડ બાયોનિક આર્મ મેળવનારો સૌથી યંગેસ્ટ પર્સન બની ગયો છે. જૉર્ડન જન્મ્યો ત્યારે તેનો ડાબો હાથ જ નહોતો. આથી તેણે બાયોનિક આર્મ માટે વિનંતી કરી હતી અને તેણે આયર્ન મૅનના રેડ ઍન્ડ ગોલ્ડ ડિઝાઇનના હાથ માટે માગણી કરી હતી. સામાન્ય રીતે પ્રોસ્થેટિક આર્મ થોડાં મોટાં બાળકોને અપાતા હોય છે, પણ જૉર્ડનની શારીરિક અને માનસિક પરિપક્વતા જોતાં તેને આવો હાથ આપવા માટે ઓપન બાયોનિક્સના ડૉક્ટરો તૈયાર થયા હતા.

આ પ્રોસ્થેટિક આર્મ પાંચ વર્ષના બાળકને કમ્ફર્ટ આપે એવી રીતે ડિઝાઇન કરાયો છે અને જ્યારે જરૂર ન હોય ત્યારે એને કાઢીને મૂકી પણ શકાય છે. એમાં આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ થયો છે અને મસલ ઍક્ટિવિટી માટે ઇલેક્ટ્રોડ્સ અને સેન્સર લગાડવામાં આવ્યાં છે. આ બાયોનિક આર્મ આંગળી અને હાથની મૂવમેન્ટ શક્ય બનાવે છે અને રિચાર્જેબલ બૅટરીથી ૧૪ કલાક એને વાપરી શકાય છે.  જોકે આવો આર્મ મેળવનારો તે પહેલો બાળક નથી, ૨૦૨૩માં યુનાઇટેડ કિંગડમના ૧૦ વર્ષના હેરી જોન્સને પણ આયર્ન મૅનની સ્ટાઇલનો પ્રોસ્થેટિક આર્મ મેળવ્યો હતો. તે જમણા હાથ અને કોણી વિના જ જન્મ્યો હતો. તેને મિત્રો સાથે ગો કાર્ટિંગ અને બાઇકિંગ પર જવું હતું. પ્રોસ્થેટિક આર્મથી હવે તેની ઇચ્છા પૂરી થઈ છે. 

offbeat news united states of america