23 January, 2025 10:27 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
માણસ તો બદલો લેતો હોય છે, પણ મધ્ય પ્રદેશના સાગરમાં એક કૂતરાએ બદલો લીધો હોય એવો બનાવ નોંધાયો છે. જે કારે બપોરે એને ટક્કર મારી હતી એને શોધી કાઢીને કૂતરાએ રાતે જઈને કાર પર એના નખથી ઉઝરડા કર્યા હતા અને એના રિપેરિંગ માટે કારમાલિકને ૧૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. કૂતરો કારને નુકસાન પહોંચાડી રહ્યો છે એ ઘટના ઘરની બહાર લગાવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ એને પગલે જાણવા મળી હતી.
આ ઘટનાની વિગત પ્રમાણે સાગર શહેરના તિરુપતિપુરમ કૉલોનીના પ્રહ્લાદ સિંહ ઘોષી ૧૭ જાન્યુઆરીએ બપોરે બે વાગ્યે પરિવાર સાથે કારમાં બેસીને લગ્નમાં જતા હતા. ઘરથી ૫૦૦ મીટર દૂર એક ટર્ન પર તેમની કારની ટક્કર એક કાળા કૂતરા સાથે થઈ હતી. કૂતરો આ ટક્કર બાદ ભસતાં-ભસતાં કારની પાછળ દોડ્યો હતો. રાતે એક વાગ્યે તેઓ લગ્નમાંથી પાછા ફર્યા બાદ કાર રસ્તા પર પાર્ક કરીને સૂઈ ગયા હતા. સવારે તેમણે જોયું કે કારની ચારેતરફ ઉઝરડા પડી ગયા હતા અને જાણે કોઈ બાળકે પથ્થર લઈને કારની સાથે ઘસ્યો હોય એવું દેખાતું હતું. જોકે CCTV કૅમેરાનાં ફુટેજમાં આ કાર્ય કાળો કૂતરો કરતો નજરે પડ્યો હતો. ત્યારે તેમને યાદ આવ્યું કે બપોરે જ તેમની કાર કાળા કૂતરા સાથે ટકરાઈ હતી. એ જ કૂતરાએ ૧૨ કલાક બાદ કારને શોધીને એના પર ઉઝરડા કર્યા હતા. કારને લઈ તેઓ શોરૂમ પહોંચ્યા હતા ત્યારે રિપેરિંગનો ખર્ચ ૧૫,૦૦૦ રૂપિયા થયો હતો. તેઓ હવે કારને ઘરની અંદરના ગૅરેજમાં જ પાર્ક કરવા લાગ્યા છે. કૂતરો કાર પર ઉઝરડા કરી રહ્યો છે એ વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.