01 April, 2023 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅરિટી માટે ત્રણ વર્ષ ટેન્ટમાં રહેનાર છોકરાએ રેકૉર્ડ કર્યો
મિત્ર ગુમાવ્યા બાદ ચૅરિટી દ્વારા ભંડોળ ઊભું કરવા ત્રણ વર્ષ સુધી ઘરની બહાર ગાર્ડનમાં ટેન્ટ બનાવીને રહેલા યુકેના ડેવોન શહેરના ૧૦ વર્ષના છોકરા મૅક્સ વુસીએ કૅમ્પેન દ્વારા વ્યક્તિગત રીતે સૌથી વધુ નાણાં એકઠાં કરવાનો રેકૉર્ડ હાંસલ કર્યો છે. ૧૦ વર્ષનો આ છોકરો મૅક્સ ત્રણ વર્ષમાં એક પણ વાર ઘરમાં સૂતો નહોતો. મૅક્સ વુસીનો કૅમ્પ માર્ચ ૨૦૨૦માં શરૂ થયો હતો, જ્યારે તેના મિત્રનું કૅન્સરમાં નિધન થયું હતું. મિત્રના નિધન બાદ શરૂ કરેલી ચૅરિટીમાં તેણે ૭ લાખ પાઉન્ડ (લગભગ ૭.૧૨ કરોડ રૂપિયા) કરતાં વધુ ભંડોળ એકઠું કર્યું હતું, જે તેણે તેના મિત્ર જ્યાં દાખલ થયો હતો એ સ્થાનિક સુવિધાને આપ્યા હતા.
મૅક્સના મિત્ર રિક અબોટને ટર્મિનલ કૅન્સર થયું હતું. મૅક્સ પરિવારે લીધેલી તેની સંભાળ અને અથાગ પ્રયાસ કર્યા છતાં રિકની તબિયત કથળતી રહેતાં ફેબ્રુઆરી ૨૦૨૦માં તેનું નિધન થયું હતું. મૅક્સે કહ્યું કે તેના મિત્રએ તેને એક ટેન્ટ ભેટ આપીને સાહસ ખેડવા કહ્યું હતું. મૅક્સે તેના મિત્રની ઇચ્છા પૂરી કરવા ટેન્ટમાં રહેવાનું સાહસ કરવા સાથે જ તેના જેવા જ રોગનો ભોગ બનેલાં બાળકો માટે ભંડોળ ઊભું કરવાનો નિર્ણય લીધો હતો. મૅક્સે ત્રણ વર્ષ સુધી સતત ટેન્ટમાં રહીને કૅન્સર પીડિતો માટે ભંડોળ એકત્ર કર્યું હતું.