27 May, 2024 08:51 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં બહુ સારા માર્ક્સ લઈ આવે તો તેની સાથે હોશિયાર શબ્દ આપોઆપ જોડાઈ જાય છે. કર્ણાટકમાં બનેલો કિસ્સો આનાથી સાવ ઊલટો છે, કેમ કે એક છોકરો ૧૦મા ધોરણમાં ૯૯.૭ ટકા લાવીને પણ લખી કે વાંચી નથી શકતો. ૨૩ વર્ષનો પ્રભુ લક્ષ્મીકાંત લોકરે હાઈ મેરિટને કારણે ૨૨ એપ્રિલે કર્ણાટકના કોપ્પલ જિલ્લાની સ્થાનિક અદાલતમાં પ્યુનની જૉબ મેળવવામાં સફળ થયો હતો. જોકે કોર્ટના જજ સામે આ પ્યુનની પોલ ખૂલી ગઈ કે આ વ્યક્તિને તો લખતાં-વાંચતાં જ નથી આવડતું.
જજની ફરિયાદને આધારે ૨૬ એપ્રિલે પ્યુન સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) થઈ, જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રભુ લોકરેએ સાતમા ધોરણ પછી સીધી દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને ૬૨૫માંથી ૬૨૩ ગુણ મેળવ્યા હતા. રિઝલ્ટમાં ૯૯.૭ ટકા હોવા છતાં આ ભાઈ અંગ્રેજી કે હિન્દી તો ઠીક, પોતાની કન્નડ ભાષામાં પણ વાંચી કે લખી નથી શકતો. યુવકનો ભાંડો ફૂટ્યા બાદ જજે અન્ય ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તપાસ કરવાની માગણી કરી છે.