૧૦ કલાકની જટિલ સર્જરીથી માણસના માથામાંથી ૭ કિલોનું ટ્યુમર દૂર કરવામાં આવ્યું

11 May, 2024 02:28 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૫૧ વર્ષના રબીન્દ્ર બિસુઈ છેલ્લાં ૨૫ વર્ષથી સાર્કોમા ટ્યુમર સાથે જીવી રહ્યા હતા.

રબીન્દ્ર બિસુઈ

પશ્ચિમ બંગાળના એક દરદીની ખોપરીમાંથી એક મસમોટી ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. ૫૧ વર્ષના રબીન્દ્ર બિસુઈ છેલ્લાં ૨૫ વર્ષથી સાર્કોમા ટ્યુમર સાથે જીવી રહ્યા હતા. સિનોવિયલ સાર્કોમા એક રૅર કૅન્સર છે જે શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે અને ઝડપથી અન્ય અંગોમાં ફેલાઈ શકે છે. રબીન્દ્રની સર્જરી થઈ એના ૭ મહિના પહેલાં ટ્યુમર એટલી ઝડપથી વધ્યું હતું કે એનું વજન ૭ કિલો સુધી પહોંચી ગયું હતું, જેને કારણે તેમને રોજિંદાં કાર્યોમાં તકલીફ થવા માંડી હતી.

ઓડિશાના ભુવનેશ્વરમાં ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના ડૉક્ટરોએ ૧૦ કલાકની જોખમી સર્જરી કરીને રબીન્દ્રને ટ્યુમરમુક્ત કર્યો હતો. દરદીની ટ્યુમરની આસપાસ રક્તવાહિનીઓનું જાળું હતું જેથી ડૉક્ટર્સ માટે આ સર્જરી બહુ જટિલ હતી. તેમણે આ દરમ્યાન દરદીના ખોપરીના હાડકાને કોઈ નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખ્યું હતું.

west bengal offbeat news national news