૪૦૦ વર્ષ જૂના વડને બચાવવા માટે હાઇવેને વળાંક અપાયો અને હવે એ વડલો જ તૂટી પડ્યો

12 June, 2024 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વડ હાઇવે બનાવતી વખતે વચ્ચે આવતો હોવાથી કપાણમાં જતો હતો

૪૦૦ વર્ષ જૂનો વડલો

રત્નાગિરિ–નાગપુર હાઇવે પર સાંગલી જિલ્લામાં ભોસે ગામ પાસે ૪૦૦ વર્ષ જૂનો વડલો હતો, જેની નોંધ હેરિટેજ ટ્રી તરીકે કરવામાં આવી હતી. આ વડ હાઇવે બનાવતી વખતે વચ્ચે આવતો હોવાથી કપાણમાં જતો હતો. જ્યારે આ બાબતની જાણ ગામવાસીઓને થઈ ત્યારે તેમણે વડલાને કાપવાનો વિરોધ કર્યો હતો અને પર્યાવરણપ્રેમીઓએ પણ આગળ આવીને વિરોધ કર્યો હતો. આ બધું જોઈને એ વખતે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર હતી અને પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ તેમના અભિયાનને સપોર્ટ કર્યો હતો અને ૨૦૨૦માં આ હેરિટેજ વડને બચાવવા હાઇવેના રૂટને થોડો ચેન્જ કરવામાં આવ્યો અને વડલાની બાજુમાંથી હાઇવે પસાર કરવામાં આવ્યો. જોકે ૪૦૦ વર્ષ જૂનો આ વડ છેલ્લા બેત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે મૂળથી જ તૂટી પડ્યો હતો. હવે ગામવાસીઓએ આ ૪૦૦ વર્ષ જૂના વડની યાદો જળવાઈ રહે એ માટે એની ૪૦૦ ડાળીઓને કલમ કરી આજુબાજુના ગામમાં અલગ-અલગ જગ્યાએ રોપવાનું નક્કી કર્યું છે.

offbeat news ratnagiri life masala