મુસાફરી દરમ્યાન બસમાં લેબર-પેઇન ઊપડ્યું, ડૉક્ટરોએ બસમાં જ ડિલિવરી કરાવી દીધી

01 June, 2024 11:12 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને બન્નેને વધુ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

કેરલામાં ૩૭ વર્ષની એક મહિલાને બસની મુસાફરી દરમ્યાન લેબર-પેઇન ઊપડતાં તેની બસમાં જ સફળ ડિલિવરી કરવામાં આવી હતી. ૨૯ મેએ મહિલા ‌ત્રિચુર કોઝિકોડ જઈ રહેલી સરકારી KSRTC બસમાં ચડી એના થોડા સમય બાદ તેને પ્રસૂતિની તીવ્ર પીડા ઊપડી હતી. બસ-ડ્રાઇવરે ઝડપથી કૉલ લઈને બસને થ્રિસૂર તરફ વાળી હતી અને એ દરમ્યાન બસ-સ્ટાફે થ્રિસૂરની અમલા હૉસ્પિટલને જાણ કરી દીધી હતી.

હૉસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટરોએ મહિલાને વૉર્ડમાં લઈ જવાને બદલે સમય બચાવતાં બસમાં જ જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી. મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને બન્નેને વધુ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાનો એક વિડિયો પણ જોવા મળ્યો છે જેમાં ટ્રાન્સપોર્ટ સ્ટાફ, ડૉક્ટર અને સ્થાનિકો મહિલા માટે દોડાદોડી કરતા જોવા મળે છે. મેડિકલ-સ્ટાફ ઝડપથી બસમાં ચડી જાય છે અને ડિલિવરી બાદ એક મહિલા નવજાત બાળકીને લઈને બસમાંથી બહાર નીકળે છે. આ જોઈને આજુબાજુના લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે.

national news india kerala offbeat news offbeat videos