ડૉક્ટરે કહેલું કે કદાચ ચાલી નહીં શકે, આજે બૉડીબિલ્ડર બની ગઈ

03 June, 2024 02:38 PM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

જિમમાં વર્કઆઉટ કરવા લાગી. આજે તે મક્કમ મનોબળને કારણે ચૅમ્પિયન બૉડીબિલ્ડર બની ગઈ છે

માર્સેલા મેન્ડેસ માન્કુસો

લોકો પોતાની હેલ્થ અને ફિટનેસને વધુ સારી બનાવવા માટે જિમ જતા હોય છે. જોકે વર્કઆઉટ દરમ્યાન ધ્યાન રાખવામાં ન આવે તો ગંભીર અકસ્માત થઈ શકે છે. બ્રાઝિલની ૩૦ વર્ષની મહિલા તાજેતરમાં આવા જ અકસ્માતનો ભોગ બની હતી. વ્યવસાયે એક લૉયર માર્સેલા મેન્ડેસ માન્કુસો સળિયા પર ઊંધી લટકીને સિટ-અપ કરતી હતી. એ દરમ્યાન તે લપસીને જમીન પર પટકાઈ અને તેની કરોડરજ્જુ તૂટી ગઈ. માર્સેલાની હાલત એટલી ખરાબ હતી કે તે ગળાથી નીચેના ભાગમાં કંઈ જ અનુભવી શકતી નહોતી. ડૉક્ટરોએ તેની સ્પાઇનને મજબૂત કરવા માટે ટાઇટેનિયમ પ્લેટ અને છ સ્ક્રૂ નાખવાં પડ્યાં હતાં.

ઑપરેશન બાદ માર્સેલાને કહી દેવામાં આવ્યું હતું કે તે ચાલી શકે એવી શક્યતા ઓછી છે. જોકે માર્સેલા નોખી માટીની નીકળી અને તેણે સાજા થવાનો નિર્ણય લીધો. તેણે ધીમે-ધીમે વસ્તુઓ ઉપાડવાની અને મૂવમેન્ટ કરવાની પ્રૅક્ટિસ કરી. અંતે રિકવરી બાદ તે પાછી જિમમાં વર્કઆઉટ કરવા લાગી. આજે તે મક્કમ મનોબળને કારણે ચૅમ્પિયન બૉડીબિલ્ડર બની ગઈ છે. તેણે બૉડીબિલ્ડિંગની સ્પર્ધાઓમાં ભાગ લઈને ત્રણ ગોલ્ડ મૅડલ પણ જીત્યા છે.

offbeat news international news brazil