29 December, 2019 09:58 AM IST | Tamil Nadu
તામિલનાડુના આ સેલૉંમાં મળશે 30 ટકા ડિસ્કાઉન્ટ
ભણતરની સાચી કિંમત તેને જ હોય છે જે ઇચ્છા હોવા છતાં શિક્ષણ પ્રાપ્ત કરી શક્યું ન હોય. તામિલનાડુના ટુટિકોરિનમાં સેલૉં ચલાવતો ૩૮ વર્ષનો પોનમારીઅપ્પન ગરીબીને કારણે આઠમા ધોરણથી વધુ ભણી શક્યો નહીં, પણ તેની જ્ઞાનપિપાસા એટલી બધી હતી કે તેણે પોતાના કાર્યના સ્થળે એટલે કે સેલૉંમાં ઑડિયો-સિસ્ટમ વિકસાવી. આ ઑડિયો-સિસ્ટમમાં તે જાણીતા તામિલ વક્તાઓની સ્પીચ વગાડે છે. તેણે વાંચનની આદત કેળવ્યા બાદ તેને સમજાયું કે એક સારું પુસ્તક સાચા સાથીદારની ગરજ સારે છે.
પોતે ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યો ન હોવાથી તેણે પોતાની સેલૉંને એક પુસ્તકાલયમાં ફેરવી દીધું છે અને સેલૉંમાં આવીને પુસ્તક વાંચનાર ગ્રાહકને તે ૩૦ ટકા ડિસ્કાઉન્ટ આપે છે તેમ જ પુસ્તક વાંચી એનો સાર સેલૉંમાં રાખવામાં આવેલી એક નાનકડી નોટમાં લખે એવો આગ્રહ પણ રાખે છે. તેના મતે પુસ્તક વાંચનારનો અભિપ્રાય અન્યોને એ વાંચવા પ્રેરિત કરે છે. જોકે આખો દિવસ મોબાઇલની દુનિયામાં રહેનારા યુવાનોને તેનો આ આગ્રહ કંટાળાજનક લાગે છે.
આ પણ વાંચો : પુત્રજન્મ સાથે જ યાદશક્તિ ખોઈ ચૂકી છે આ મહિલા
શરૂઆતમાં તેણે માત્ર ૨૫૦ પુસ્તકોથી શરૂઆત કરી હતી, પરંતુ આજે તેની પાસે લગભગ ૮૫૦ જેટલાં પુસ્તકો છે. પોનમારીઅપ્પનના પ્રિય લેખકે તેની આ પહેલને બિરદાવી છે. ટુટિકોરિનના સંસદસભ્ય કનીમોઝીએ તેને ૫૦ પુસ્તક ભેટ આપ્યાં હતાં.