31 October, 2019 11:14 AM IST |
લાઇફ-સાઇઝ ડૉલ
લાંબા કલાકો સુધી ડેસ્ક પર બેસીને કામમાં લાગેલા રહેવાની આદત આજની વર્કિંગ જનરેશનની છે. આ આદત હેલ્થ પર કેવો કાળો કેર વરતાવી રહી છે એનો આપણને અંદાજ નથી, પરંતુ વીસ વર્ષ પછી વર્કિંગ-જનરેશન કેવી હશે એ આપણી સામે તાદૃશ્ય થાય એવી ઢીગલી તૈયાર કરવામાં આવી છે. વિલિયમ હિગૅમ નામના બિહેવિયરલ ફ્યુચરિસ્ટ વૈજ્ઞાનિકની ટીમે મળીને એમા નામની લાઇફ-સાઇઝ ડૉલ તૈયાર કરી છે. આ ઢીંગલીની ખૂંધ નીકળેલી છે, માથું આગળ તરફ ઢળી ચૂક્યું છે અને આંખો સૂકી અને લાલઘૂમ છે. પગ અને હાથ પર સોજા આવી ગયા છે કેમ કે એમાં સર્ક્યુલેશન બરાબર નથી થયું. સ્ટ્રેસને કારણે એક્ઝીમા થયો છે અને એવી તો બીજી ઘણી બીમારીઓની ભવિષ્યવાણી આ સાયન્ટિસ્ટોએ કરી છે. એમા નામની આ ઢીંગલી એ આજની વર્કિંગ જનરેશન માટે લાલબત્તી સમાન છે. રિસર્ચરોનું કહેવું છે કે ઑફિસ એન્વાયર્નમેન્ટ અને વર્ક-કલ્ચરમાં જો પરિવર્તન નહીં કરવામાં આવે તો શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર બહુ મોટું જોખમ છે.
આ પણ વાંચો : કૅન્સરના ઇલાજના પૈસા નહોતા, લૉટરી ખરીદી તો દોઢ કરોડ લાગ્યા
અભ્યાસકર્તાઓએ ફ્રાન્સ, જર્મની અને બ્રિટનના ૩૦૦૦થી વધુ ઑફિસ-વર્કર્સનો સર્વે કર્યો હતો અને તેમની લાક્ષણિકતાઓનો સમન્વય કરીને એમા નામની ઢીંગલી તૈયાર કરી હતી. સર્વેમાં ૫૦ ટકાથી વધુ લોકોને ડ્રાયનેસની તકલીફ હતી. ૪૯ ટકા લોકોને કમરમાં દુખાવો, ૪૮ ટકાને અવારનવાર માથાનો દુખાવો અને ૪૫ ટકાને ગરદનમાં ખાલી ચડી જવાની સમસ્યા હતી. આ બધા જ લક્ષણોનો સરવાળો કરીને રિસર્ચરોએ ભવિષ્યમાં ઑફિસમાં બેસીને કામ કરનારાઓનું ભવિષ્ય ભાખ્યું છે.