24 September, 2019 10:05 AM IST | આર્મેનિયા
ક્રિસ્ટલનાં આંસુ
આર્મેનિયાના સ્પેન્ડેરિયન ગામમાં રહેતી સૅટેનિક કાજેરિયન નામની એક યુવતીની હાલત જોઈને ડૉક્ટરો પણ અચંબામાં છે. સામાન્ય રીતે આંસુ પ્રવાહી હોય, પણ આ બહેનની આંખોમાંથી લિટરલી ક્રિસ્ટલ જેવાં કડક આંસુ નીકળે છે. ડૉક્ટરો હેરાન છે કે તેની આંખમાંના આંસુ ક્રિસ્ટલ જેવા કેવી રીતે બની ગયા છે. સૅટેનિક એક બાળકની મા છે અને તેનો પરિવાર ખેતી કરે છે. તેની પાસે એટલા પૈસા નથી કે મોંઘી સારવાર કરાવી શકે.
સૅટનિક ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે આંખોમાં જાણે ધૂળ પડી ગઈ હોય એવું લાગેલું. આંખમાંથી કણાની જેમ કશુંક ખૂંચવા લાગ્યું અને જોયું તો એ ક્રિસ્ટલ હતાં. તરત જ તે આ ટ્રાન્સપરન્ટ કટકા લઈને આંખના નિષ્ણાત પાસે ગઈ. શરૂઆતમાં ડૉક્ટરે દવાઓ આપી જેનાથી આંસુ નીકળવામાં રાહત મળી. જોકે હવે તો તો ક્રિસ્ટલ્સ નીકળવાનું પ્રમાણ પણ વધ્યું છે અને તકલીફ પણ વધુ થાય છે. ડૉક્ટરો પણ આ સ્થિતિ જોઈને હેરાન છે તેમને પણ આ રોગ શું છે એ સમજાતું નથી.
આ પણ વાંચો : EDએ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત 3 ચિમ્પાન્ઝી, 4 વાંદરા કર્યા સીઝ !
શરૂઆતમાં તો આ ક્રિસ્ટલ્સને તેમણે ગ્લાસમાં સંઘરી રાખવાનું શરૂ કરેલું. એમ છતાં ડૉક્ટરને તેમની વાત માન્યામાં નહોતી આવતી. પહેલાં તો યુવતી ગપ્પા મારે છે એમ સમજીને ડૉક્ટરે પણ તેને ક્લિનિકમાંથી કાઢી મૂકેલી, પણ જ્યારે તેમની સામે ક્રિસ્ટલનાં આંસુ નીકળવા લાગ્યા ત્યારે તેઓ વિચારમાં પડ્યા. આ કેસ વિશે આર્મેનિયાના સ્વાસ્થ્ય મંત્રાલયને પણ જાણ થઈ છે અને ડેપ્યુટી પ્રધાને આ કેસનો સ્ટડી કરીને મૂળ કારણ સમજીને એનો ઇલાજ કરવાની કોશિશ થશે એવી બાંયધરી આપી છે.
રશિયન નિષ્ણાત તાત્યાના શિલોવાનું કહેવું છે કે આંસુમાં પ્રોટીન, સૉલ્ટનું પ્રમાણ હોય છે અને વધુપડતા નમક કે પ્રોટીનને કારણે પણ આંસુ ઘન થઈ જાય એવું સંભવ છે. ઘણી વાર લિવર અને આંતરિક અવયવોમાં પણ આવા ક્રિસ્ટલ્સ થઈ શકે છે. આંખમાંના ક્રિસ્ટલ આંસુ હકીકતમાં શરીરની અંદરની બીજી કોઈ તકલીફના પ્રાથમિક લક્ષણો હોય એવું પણ સંભવ છે.