08 October, 2019 09:43 AM IST | મુંબઈ ડેસ્ક
803 કિલોનું કોળું ઉગાડ્યું આ દંપત્તિએ
કૅનેડાના બ્રુસ કાઉન્ટીના પૉર્ટ એલ્ગિનમાં શનિવારે પમ્પકિન ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો. લગાતાર ૩૩ વર્ષથી અહીં દર ઑક્ટાબર મહિનાની શરૂઆતમાં આ ફેસ્ટિવલ ઉજવાય છે. આ ફેસ્ટિવલમાં અનેક ખેડૂતો જાયન્ટ કદનું કોળું ઉગાડીને અહીં લઈ આવ્યા હતા. એમાં કૅમરોનમાં રહેતા જેન અને ફિલ હન્ટ નામના યુગલનું પમ્પકિન સૌથી મોટું નીકળ્યું. તેમનું કોળું ૧૭૭૧ પાઉન્ડ એટલે કે ૮૦૩.૫૪ કિલોગ્રામનું છે. સૌથી કદાવર કોળાની પેશકશ માટે તેમને ૩૦૦૦ કૅનેડિયન ડૉલર એટલે કે લગભગ ૧.૬૦ લાખ રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું. આ જાયન્ટ કોળા માટે યુગલે બહુ જ મહેનત કરી હતી. બર્મી ખાતર, રોજ પાણી અને આસપાસમાંના નીંદણને દૂર કરવામાં તેઓ રોજ કલાકોની મહેનત કરતા હતા. જોકે બેનનું કહેવું છે કે જાયન્ટ કોળું ઉગાડવા માટે બીજની પસંદગી સૌથી મોટો ભાગ ભજવે છે. આ યુગલ ૧૯૯૦ની સાલથી જાયન્ટ વેજિટેબલ્સ ઉગાડીને રેકૉર્ડ બનાવવા માગતા હતા જે છેક વીસ વર્ષે મુરાદ પૂરી થઈ હતી.