07 April, 2023 02:32 PM IST | London | Gujarati Mid-day Correspondent
ચાર્લી
બ્રિટનના વેસ્ટ યૉર્કશરમાં વેકફીલ્ડનો ૮ વર્ષનો ચાર્લી બાથમ સપ્તાહાંતે તેના પિતા પૉલ સાથે મળીને બ્રિટનની ટેકરીઓ પર ચડવાનો આનંદ ઉઠાવતો હોય છે. બન્ને બાપ-દીકરાની જોડીએ અત્યાર સુધી બેન નેવિસ, સ્કેફેલ પાઇક, સ્નોડોનિયા તથા પિક ડિસ્ટ્રિક્ટ, યૉર્કશર ડેલ્સ અને લેક ડિસ્ટ્રિક્ટની મુલાકાત લીધી છે.
પૉલે જણાવ્યા અનુસાર ચાર્લી જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે રજા ગાળવા એન્જલસી ગયો હતો, જ્યાં તેણે પર્વતારોહણની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર બાદથી તેણે બ્રિટનની ટેકરીઓ ચડવાની શરૂઆત કરી હતી, જે હજી સુધી અવિરત ચાલુ છે. ચાર્લીની ઇચ્છા સમુદ્રની સપાટીથી સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની છે. સમગ્ર બ્રિટનમાં જુદી-જુદી ૨૦૦ ટેકરીઓ મળીને ચાર્લીએ અત્યાર સુધી ૨,૩૨,૨૬૦ ફુટ (લગભગ ૭૦,૭૯૨ મીટર) ચડાણ કર્યું છે. પર્વતની ટેકરીઓ ચડવા ઉપરાંત ચાર્લીને વિવિધ પ્રાણીઓ અને વાઇલ્ડલાઇફ જોવાનું વધુ ગમે છે, જે સામાન્ય રીતે ઘરના વાતાવરણમાં શક્ય નથી હોતું.
ચાર્લીએ સર કરેલાં શિખરોમાં લેક ડિસ્ટ્રિક્ટમાં સ્કેફેલ પાઇક (૩૨૧૦ ફુટ), નૉર્થ વેલ્સમાં યર વાયડફા (અગાઉનું સ્નોડોનિયા, ૩૫૬૦ ફુટ) અને બેન નેવિસમાં સ્કૉટિશ ગ્રેમ્પિયન્સ (૪૪૧૩ ફુટ)નો સમાવેશ છે.