29 March, 2025 12:14 PM IST | Berlin | Gujarati Mid-day Correspondent
જર્મનીના બર્લિનમાં રહેતાં ઍલેક્ઝાન્ડ્રા હિલ્ડબ્રેન્ટ નામનાં ૬૬ વર્ષનાં માજીએ ગયા અઠવાડિયે એટલે કે ૧૯ માર્ચે ફિલિપ નામના બાળકને જન્મ આપ્યો
જર્મનીના બર્લિનમાં રહેતાં ઍલેક્ઝાન્ડ્રા હિલ્ડબ્રેન્ટ નામનાં ૬૬ વર્ષનાં માજીએ ગયા અઠવાડિયે એટલે કે ૧૯ માર્ચે ફિલિપ નામના બાળકને જન્મ આપ્યો હતો. આ તેમનું દસમું સંતાન છે. ૫૦ વર્ષની વય પછી બાળકને જન્મ આપવાનું લગભગ અશક્ય હોય છે અને જેમને બાળક જોઈતું હોય તેમણે મોટા ભાગે કૃત્રિમ ગર્ભધારણનો સહારો લેવો પડે છે. જોકે ઍલેક્ઝાન્ડ્રાને ૬૬ વર્ષની વયે પણ કોઈ કૃત્રિમ પદ્ધતિ વિના કુદરતી રીતે જ ગર્ભધારણ થયો હતો જે ડૉક્ટરો માટે પણ નવાઈની વાત છે. હજી વધુ અચરજ પમાડે એવી વાત એ છે કે ઍલેક્ઝાન્ડ્રાએ જે ૧૦ બાળકોને જન્મ આપ્યો છે એમાંથી ૮ સંતાનો તો તેણે પોતાની ૫૩ વર્ષની વય પછીથી પેદા કર્યાં છે. પ્રથમ લગ્નથી તેને જુવાનીમાં બે સંતાનો થયેલાં. ૪૬ વર્ષની દીકરી અને ૩૬ વર્ષનો દીકરો છે જે પોતાના સંસારમાં વ્યસ્ત છે. આ સંતાનો મોટાં થઈ ગયાં એ પછી ઍલેક્ઝાન્ડ્રાએ બીજાં લગ્ન કર્યાં અને એ પછી છેલ્લાં ૧૩ વર્ષના ગાળામાં ૮ સંતાનો પેદા કર્યાં છે.
ઍલેક્ઝાન્ડ્રા બર્લિન વૉલ મ્યુઝિયમની ડિરેક્ટર છે અને હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ છે. તેનાં સંતાનોની વય શૂન્યથી ૪૬ વર્ષ સુધીની છે. દસમા બાળકની પ્રેગ્નન્સી પણ તેને કુદરતી રીતે જ રહી ગઈ હતી અને મોટી ઉંમર છતાં તેને કોઈ જ કૉમ્પ્લિકેશન્સનો સામનો કરવો નહોતો પડ્યો. તેનાં ૮ સંતાનોનો જન્મ સિઝેરિયનથી થયો છે. એને કારણે હવે જો તે વધુ સંતાનો પેદા કરશે તો એ મમ્મીના જીવન માટે જોખમી બનશે.
આ પહેલાં ૨૦૨૩માં યુગાન્ડાનાં સફીના નામુક્વાયા નામનાં ૭૦ વર્ષનાં માજીએ IVF એટલે કે કૃત્રિમ ગર્ભધારણથી ટ્વિન્સને જન્મ આપ્યો હતો.