૧૯૫૧માં કિડનૅપ થયેલો ૬ વર્ષનો છોકરો ૭૩ વર્ષે પરિવારને પાછો મળ્યો

23 September, 2024 01:42 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

લુઇસના મોટા ભાઈ ૮૨ વર્ષના રૉજરના DNA સાથે મૅચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. લુઇસ અને રૉજર જ્યારે મળ્યા ત્યારે ખૂબ ભાવુક થઈ ગયા હતા

લુઇસ અને રૉજર

કૅલિફૉર્નિયાના વેસ્ટ ઑકલૅન્ડ પાર્કમાં લુઇસ નામનો ૬ વર્ષનો છોકરો ૧૯૫૧ની ૨૧મી ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયો હતો. એક મહિલા તેને પીપરમિન્ટની લાલચ આપીને ભોળવીને લઈ ગઈ હતી. એ પછી તો લુઇસના પેરન્ટ્સે દીકરાને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી નાખ્યાં હતાં. તેમણે વર્ષો નહીં, દાયકાઓ સુધી દીકરો શોધવા માટે મથામણ કરી અને આખરે ૨૦૦૫માં લુઇસની મમ્મી ૯૨ વર્ષે ગુજરી ગઈ. બીજી તરફ લુઇસનો ઉછેર ન્યુ યૉર્ક શહેરમાં થઈ રહ્યો હતો. પુખ્ત થયા પછી તેણે ફાયરફાઇટર તરીકે કામ કર્યું. અલબત્ત, એ કામમાંથી પણ રિટાયર થયા પછી તેને પોતાના રિયલ પરિવારનો ભેટો થયો. એ માટે લુઇસના મોટા ભાઈની દીકરી અલિદાએ પ્રયાસોમાં કોઈ કમી રાખી નહોતી. તેણે પરિવારની ખોવાયેલી વ્યક્તિને શોધવા માટે ૨૦૨૦માં DNA ટેસ્ટ કરાવી અને ખોવાયેલી વ્યક્તિઓ સાથે એને મૅચ કરવાની સર્વિસમાં નામ નોંધાવ્યું. આખરે ત્રણેક વર્ષની મહેનત બાદ લુઇસના મૂળભૂત કોષોનો રિપોર્ટ અલિદા સાથે ૨૨ ટકા મળતો આવ્યો એટલે તેને આશા જાગી. અલિદાના પિતા અને લુઇસના મોટા ભાઈ ૮૨ વર્ષના રૉજરના DNA સાથે મૅચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. લુઇસ અને રૉજર જ્યારે મળ્યા ત્યારે ખૂબ ભાવુક થઈ ગયા હતા. ૭૩ વર્ષ પછી પોતાના પરિવારને મળવાની ખુશી લુઇસના ચહેરા પર છવાઈ ગઈ હતી.

california united states of america new york offbeat news social media international news world news