09 October, 2024 05:41 PM IST | United kingdom | Gujarati Mid-day Correspondent
ટિઝી હડસન
યુનાઇટેડ કિંગડમના લિન્કનશરમાં રહેતાં ટિઝી હડસને મોટરસાઇકલ સ્ટન્ટ રાઇડર માટે ૧૯૭૬માં અરજી કરી હતી. એનો જવાબ તેમને એક અઠવાડિયું, એક મહિનો કે એક વર્ષે નહીં, પણ ૪૮ વર્ષે મળ્યો. આટઆટલાં વર્ષો સુધી જવાબ ન મળવાનું કારણ પણ વિચિત્ર છે. તેમણે અરજી કરી હતી એનો જવાબ કંપનીએ આપ્યો હતો, પણ એ કવર સ્ટેન્સ પોસ્ટ-ઑફિસના એક ડ્રૉઅરની પાછળ ફસાઈ ગયો હતો અને એકાએક હમણાં મળ્યો હતો. એટલે પોસ્ટ-ઑફિસે એ કવર ટિઝી હડસનને પહોંચતો કર્યો હતો. આટલાં વર્ષો પછી લેટર મળ્યાનું ટિઝીને દુઃખ છે, પણ એના કરતાં વધુ આનંદ લેટર મળ્યાનો છે, કારણ કે જવાબ નહોતો મળ્યો એટલે પોતે એ જગ્યા માટે યોગ્ય નથી એવું તેમણે ધારી લીધું હતું. તેમણે કહ્યું કે ‘અરજી પોસ્ટ કર્યા પછી હું દરરોજ જવાબની રાહ જોતી હતી. દિવસો સુધી કોઈ પોસ્ટ આવી નહોતી. સ્ટન્ટ રાઇડરની નોકરી કરવાની મને બહુ ઇચ્છા હતી. જોકે દુખી થવાને બદલે હડસને નોકરી અને આવકના બીજા સ્રોત પકડી લીધા હતા. તેમણે સ્નેક હૅન્ડલર, ઘોડાની સંભાળ રાખનાર, ઍરોબેટિક પાઇલટ અને ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર તરીકેની સાહસિક કારકિર્દી ઘડી અને આખી દુનિયામાં ફરવાની તક પણ મળી.