રક્ષાબંધનના વીક-એન્ડની ફ્લાઇટની કિંમતમાં અત્યારથી ૪૬ ટકાનો વધારો

29 July, 2024 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષની સરખામણીમાં રક્ષાબંધન દરમ્યાન ફ્લાઇટની ટિકિટમાં વધારો નોંધાયો છે.

પ્રતીકાત્મક તસવીર

રક્ષાબંધન નજીક હોવાથી એ દરમ્યાનના વીક-એન્ડની ફ્લાઇટની કિંમતમાં ૪૬ ટકા વધારો જોવા મળ્યો છે. આ વખતે મેગા લૉન્ગ વીક-એન્ડ છે. પંદરમી ઑગસ્ટે જાહેર રજા છે અને એ ગુરુવારે છે. શુક્રવારનો એક દિવસ ઍડ્જસ્ટ કરવામાં આવે અને મોટા ભાગની કૉર્પોરેટ ઑફિસમાં શનિવાર અને રવિવારે રજા હોય છે. તેમ જ સોમવારે એટલે કે ૧૯ ઑગસ્ટે રક્ષાબંધન છે. આથી પાંચ દિવસનો મેગા લૉન્ગ વીક-એન્ડ હોવાથી ટ્રાવેલ કરનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થાય છે. આથી ગયા વર્ષની સરખામણીમાં રક્ષાબંધન દરમ્યાન ફ્લાઇટની ટિકિટમાં વધારો નોંધાયો છે. બૅન્ગલોરથી કોચી હોય કે બૅન્ગલોરથી મુંબઈ કે પછી મુંબઈથી જ અન્ય જગ્યાએની ફ્લાઇટ કેમ ન હોય, ૨૦૨૩ની સરખામણીએ આ વર્ષે ફ્લાઇટની કિંમતમાં ઘણો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ ફ્લાઇટની કિંમત દિવસ નજીક આવતાં પણ ઘણી વધશે. તેમ જ વરસાદનો માહોલ આ જ પ્રકારનો રહ્યો તો ફ્લાઇટમાં પણ ઘટાડો થશે અને પરિણામે એની પણ અસર ફ્લાઇટની ટિકિટ પર પડશે. ઇન્ડિગોની ૨૬ જુલાઈએ ભારતભરમાં ૩૮૨ ફ્લાઇટ હતી. જોકે એમાંથી ૭૦ ફ્લાઇટ સપ્લાય ન મળી હોવાથી, એન્જિનમાં પ્રૉબ્લેમ અને નાણાકીય સમસ્યાને કારણે કૅન્સલ કરવામાં આવી હતી. આ દરેક સમસ્યાની અસર પણ અન્ય ફ્લાઇટની કિંમત પર પડે છે.

offbeat news travel news festivals raksha bandhan life masala