19 September, 2023 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક ઉંદર પકડવા પાછળ ખર્ચ્યા ૪૧,૦૦૦ રૂપિ
ઉંદરોથી છુટકારો મેળવવા ઉત્તર રેલવેએ ત્રણ વર્ષમાં ૬૯ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. રેલવેને હેરાન-પરેશાન કરનાર ૧૬૮ ઉંદરને પકડવા માટે આટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક ઉંદરને પાંજરે પૂરવા માટે રેલવેને લગભગ ૪૧,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો છે. ચંદ્રશેખર ગૌર દ્વારા કરેલા આરટીઆઇમાં આ ખુલાસો થયો છે. ચંદ્રશેખર ગૌરે આરટીઆઇ દાખલ કરીને આ સંબંધમાં જાણકારી માગી હતી જેથી રેલવેએ પાંચ મંડળ - દિલ્હી, અંબાલા, લખનઉ, ફિરોઝપુર અને મુરાદાબાદ પાસે જાણકારી માગી હતી. આરટીઆઇમાં મળેલી જાણકારી પ્રમાણે ઉત્તર રેલવેએ ૩ વર્ષમાં ૬૯ લાખ રૂપિયાનો ખર્ચ કરીને ૧૬૮ ઉંદર પકડ્યા છે. આ હિસાબે એક ઉંદરને પકડવા માટે રેલવેએ ૪૧ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. ખરેખર, ઉંદર, વાંદા અને મચ્છરને પકડવા માટે ઉત્તર રેલવે લખનઉ મંડળમાં દર વર્ષે લગભગ ૨૩.૨ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે છતાં આ બધી ફરિયાદથી છુટકારો મળતો નથી. ચારબાગ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ઉંદરનો આતંક જોવા મળે છે. લખનઉ મંડળમાં ઉંદર અને મચ્છરનો પ્રકોપ વધતાં મેસર્સ સેન્ટ્રલ વેયર હાઉસિંગ કૉર્પોરેશને ગોમતીનગરને જવાબદારી સોંપી છે, જે ભારત સરકારનો ઉપક્રમ છે. રેલવેએ કહ્યું કે આમાં ઉંદર પકડવાનો સમાવેશ થતો નથી, બલકે ઉંદરની સંખ્યાને વધતી રોકવામાં આવે છે. ટ્રેનના કોચમાં ઉંદર અને કૉક્રૉચથી બચાવવા કીટનાશકના છંટકાવથી લઈને ઘણી ગતિવિધિનો સમાવેશ થાય છે. રેલવેનું કહેવું છે કે લખનઉ મંડળે આપત્તિ દર્શાવીને કહ્યું કે ઉંદર પર ૪૧ હજાર ખર્ચ કરવો એ ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે.