ચાર વર્ષના છોકરાએ બુક પબ્લિશ કરવાનો ગિનેસ રેકૉર્ડ બનાવ્યો

03 April, 2023 11:44 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મૌઝાએ જણાવ્યા મુજબ સઈદ રાશીદે ખૂબ જ સરળ ભાષામાં સ્ટોરી લખી છે

સઈદ રાશીદ અલ મહેરી

સઈદ રાશીદ અલ મહેરીની નામના ચાર વર્ષના છોકરાએ ‘ધ એલિફન્ટ સઈદ ઍન્ડ ધ બેર’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે જેમાં ગુસ્સા સામે દયાની જીત અને બે પ્રાણીઓ વચ્ચેની મિત્રતાની વાત વણી લેવામાં આવી છે. સઈદ રાશીદની મમ્મી મૌઝા અલ દારમાકીએ કહ્યું કે તેણે જ્યારે અમને તેનો પુસ્તક પ્રકાશિત કરવાનો વિચાર જણાવ્યો ત્યારે એ સ્ટોરીલાઇન કેવી હશે અને એના દ્વારા તે શું સંદેશ આપવા માગે છે એના વિશે ખૂબ જ સ્પષ્ટ હતો. મૌઝાએ જણાવ્યા મુજબ સઈદ રાશીદે ખૂબ જ સરળ ભાષામાં સ્ટોરી લખી છે. અને આખી સ્ટોરી સઈદ રાશીદે જ લખી છે એ પ્રમાણિત કરવા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના નિર્ણાયકોએ તેના કામની બા​રીકાઈથી તપાસ કરી હતી. 

આ પણ વાંચો: ચૅરિટી માટે ત્રણ વર્ષ ટેન્ટમાં રહેનાર છોકરાએ રેકૉર્ડ કર્યો

સઈદ રાશીદના જણાવ્યા મુજબ તેની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ તેની આઠ વર્ષની બહેન અલધાબી છે, જે પોતે પણ સૌથી નાની વયે બે ભાષામાં પુસ્તકની શ્રેણી પ્રકાશિત કરનાર (મહિલા) તરીકેનો રેકૉર્ડ ધરાવે છે.

બાળકોની શાળા અલદર એજ્યુકેશન અલઇન ઍકૅડેમીના સપોર્ટ સાથે સઈદ રાશીદના પુસ્તકની ૧૦૦૦ કૉપીઓ વેચાઈ ચૂકી છે. બંને ભાઈ-બહેને પુસ્તકના વેચાણ માટે એ ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં તેમના મિત્રો અને શાળાના મિત્રો પુસ્તકની ખરીદી કરી શકે.

offbeat news international news