માણસ એટલું જોરથી ખાંસ્યો કે જાંઘનું હાડકું તૂટી ગયું

04 June, 2024 03:48 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

૩૫ વર્ષના આ યુવાનનાં હાડકાં તેની બેઠાડું જિંદગીને કારણે ૮૦ વર્ષના વૃદ્ધ જેટલાં જીર્ણ થઈ ચૂક્યાં હતાં.

તૂટેલા હાડકાંનો એક્સરે

ચીનના ફુજિયાન પ્રાન્તની સેકન્ડ પીપલ્સ હૉ​સ્પિટલમાં ડૉક્ટરો પાસે એક અજીબ કેસ આવ્યો છે. ૩૫ વર્ષના એક યુવાનને ઊંચકીને હૉસ્પિટલ લાવવામાં આવેલો, કેમ કે તેની જાંઘના હાડકા જેને મેડિકલ ભાષામાં ફીમર કહેવાય એમાં ફ્રૅક્ચર હતું. ફીમર એ આપણા શરીરનું સૌથી મજબૂત અને જાડું હાડકું કહેવાય છે. જ્યારે ડૉક્ટરોએ દરદીની હિસ્ટરી લીધી તો તેનું કહેવું હતું કે તેણે ખૂબ જોર-જોરથી ખાંસી ખાધી એ વખતે તેની જાંઘના ભાગમાં જોરદાર ચસકો લાગ્યો હોય એવું લાગ્યું અને પછી તે એ પગ પર વજન પણ મૂકી નથી શકતો. તેના પગમાં બહારથી કોઈ જ મૂઢમાર પણ વાગ્યો નથી. જ્યારે ડૉક્ટરોએ આ યુવાનના હાડકાની ઘનતા માપી ત્યારે આશ્ચર્યજનક પરિણામ આવ્યું હતું. ૩૫ વર્ષના આ યુવાનનાં હાડકાં તેની બેઠાડું જિંદગીને કારણે ૮૦ વર્ષના વૃદ્ધ જેટલાં જીર્ણ થઈ ચૂક્યાં હતાં. તેની લાઇફસ્ટાઇલ વિશે પૂછતાછ કરતાં ખબર પડી હતી કે ભાઈસાહેબને જન્ક-ફૂડનો જબરો શોખ હતો અને પાણીની જગ્યાએ સૉફ્ટ-ડ્રિન્ક પીતા હોવાથી હાડકાં ખૂબ જ નબળાં પડી ગયાં હતાં.

offbeat news china health tips beijing