22 November, 2024 02:27 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
૨૧ વર્ષનો સરફરાઝ પશ્ચિમ બંગાળમાં પીએમ આવાસ યોજનાના મકાનમાં રહે છે
૨૧ વર્ષનો સરફરાઝ પશ્ચિમ બંગાળમાં પીએમ આવાસ યોજનાના મકાનમાં રહે છે. પિતા મજૂરીકામ કરે છે. ઘરમાં માતા અને નાનાં ભાઈબહેન પણ છે. આર્થિક સ્થિતિ સારી નથી એટલે સરફરાઝ પણ પિતાની સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરીકામ કરતો. ત્યાં દરરોજ ૮ કલાક કામ કરતો અને રોજ ૪૦૦ જેટલી ઈંટ ઊંચકતો. દિવસે મજૂરીકામ કર્યા પછી રાતે તૂટેલી સ્ક્રીનવાળા મોબાઇલ ફોનમાંથી ભણતો. તેના ઘરને છત નહોતી એટલે રાતે ભણતા દીકરાને ઠંડી ન લાગે એ માટે મા પણ આખી રાત તેની સાથે બેસતી. આ રીતે સરફરાઝ અન્ડર ગ્રૅજ્યુએટ મેડિકલ પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટેની નૅશનલ ઍલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં ૭૨૦માંથી ૬૭૭ માર્ક લાવ્યો છે. આર્થિક સંકડામણને કારણે તેને બૅચલર ઑફ મેડિસિન ઍન્ડ બૅચલર ઑફ સર્જરી (MBBS)માં પ્રવેશ લેવામાં બહુ મુશ્કેલી પડી હતી. સરફરાઝને તો ૧૦મું ધોરણ પાસ કર્યું ત્યારથી જ નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી (એનડીએ)માં જોડાવું હતું, પણ આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે સપનું પૂરું ન થઈ શક્યું. એ પછી કોવિડના સમયે તેણે ફિઝિક્સ વાલ્લાહના સંસ્થાપક અલખ પાંડેના વિડિયો જોયા અને NEET માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. ૨૦૨૩માં NEET પાસ કરી હતી, પણ પૈસા નહોતા એટલે ડેન્ટલ કૉલેજ છોડવી પડી. આમ છતાં તેણે ૨૦૨૪ માટે ફરીથી તૈયારી શરૂ કરી અને કલકઇાની નીલ રતન સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ લઈ લીધો છે. અલખ પાંડેએ તેની ફી ભરવાની સાથે નવો ફોન આપ્યો છે અને પાંચ લાખ રૂપિયાની લોન પણ આપી છે. પાંડેએ એમાં એક શરત મૂકી છે કે સરફરાઝે ભવિષ્યમાં તેના જેવા જ કોઈક સરફરાઝની મદદ કરીને આ રૂપિયા પાછા આપવાના છે.